બર્ધન ચોક-માંડવી ટાવર માર્ગ પર દબાણનો સૌથી ઘેરો પ્રશ્ન: રોડ ઉપર બંને બાજુ ચારથી પાંચ ફૂટનાં દબાણો થતા સર્જાય છે ટ્રાફિક સમસ્યા
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ થયેલા વાહનો દૂર કરવા, રસ્તા વચ્ચે ઊભી રહેતી રેંકડીઓ દૂર કરવા, ક્યાંક ગેરકાયદેસર દબાણ કરી કાચા-પાકા મકાનને તોડી પાડવા મંજુરી વગરના વધારાના બાંધકામો દૂર કરવા જેવી કામગીરી નિરંતર કરવામાં આવે છે, અને દર વખતે મિડીયાને પણ જાણ કરી આ કામગીરીની સામાન્ય જનતાની જાણ સારૃ બહોળી પ્રસિદ્ધિ કરવાના પ્રયાસો પણ એટલી જ ચીવટથી કરવામાં આવે છે. એસ્ટેટ શાખાના અધિકારીઓ અને સ્ટાફ ખરેખર ખૂબ જ નિડર અને બાહોશ છે, તેથી જ્યારે જ્યારે આવા દબાણ હટાવના ઓપરેશન થાય છે ત્યારે કોઈ ચૂં કે ચાં કરી શકતું નથી. પણ… આ દબાણો હટાવી લીધા પછી લગભગ મોટા ભાગના સ્થળો પર (કાચા-પાકા બાંધકામ સિવાય) ફરીથી દબાણો ખડકાય જાય છે તે અત્યંત કડવી વાસ્તવિકતા છે. ત્યારે એસ્ટેટ શાખાની બહાદુરી પ્રત્યે જરૃર શંકા જાગે! કે શા માટે આ દબાણો કાયમ માટે દૂર થતા નથી! અત્રે વાત માત્ર દરબારગઢથી બર્ધન ચોક અને ત્યાંથી માંડવી ટાવર સુધીના માર્ગ પરના પાથરણાવાળા, લારીવાળા તથા અન્ય દબાણોની જ કરવી છે.
સમગ્ર શહેરમાં આ વિસ્તાર ખરીદી માટેનું મોટું કેન્દ્ર છે. અને સવારથી સાંજ સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે ઉમટી પડે છે. આ માર્ગ પર પાથરણાવાળા, લારીવાળાઓ રસ્તા પર ગોઠવાઈ જાય છે, તેથી ટુ-વ્હીલર જેવા વાહનો પાર્ક કરવાની ક્યાંય જગ્યા જ રહેતી નથી, તેથી વાહનો ગમે ત્યાં આડેધડ પાર્ક કરવા મજબૂર બનવું પડે છે. એકાદ બે હોટસ્પોટ એવા પણ છે. જ્યાં મોટરસાયકલો રાખીને ત્યાં કેટલાંક શખ્સો કાયમ માટે અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. આ શખ્સો કોણ છે, તેના કામધંધા શું છે…? આ વિસ્તારમાં ખરીદી માટે મોટા ભાગે આવતી યુવતીઓ, મહિલાઓની છેડતી થવાના બનાવોમાં આવા અડીંગો જમાવીને બેસતા શખ્સોની સંડોવણી હોવાનું સરેઆમ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેટલાંક માથાભારે રિક્ષાવાળાઓ પણ ધંધો કરવાના બદલે રિક્ષાઓ રસ્તા પર રાખીને બેઠા રહે છે. જેથી અન્ય રિક્ષાવાળાને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
દરબારગઢથી બર્ધનચોક અને બર્ધાનચોકથી માંડવી ટાવર સુધીનો માર્ગ ખૂબ જ પહોળો માર્ગ છે, લોકડાઉનમાં તમામ બજારો બંધ હતી ત્યારે આ માર્ગની વિશાળતાનો ખ્યાલ સૌને આવ્યો હતો. આ માર્ગ પર આવેલી દુકાનોવાળા પણ તેમના માલ સામાનના બોકસ, ચીજવસ્તુઓના તોરણીયા રસ્તા પર ત્રણ-ચાર ફૂટ સુધી ગોઠવી દેતા હોવાથી પણ રસ્તો સાંકડો બની જાય છે. તેમાંય બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના માર્ગ પરની દુકાનોવાળા તો ફૂટપાથને જ ઓગાળી ગયા છે… તેમની મોટી-મોટી દુકાનો હોવા છતાં ફૂટપાથો પર ડીસપ્લે ગોઠવી દેતા હોવાથી પણ ભીડનું પ્રમાણ રસ્તા પર જ વધે છે. દુકાનો બહાર ત્રણ-ચાર ફૂટ, ત્યારપછી પાથરણાવાળા, રેંકડીવાળા, વાહનો, રિક્ષાઓના કારણે આ માર્ગ અવરજવર માટે સમગ્ર શહેરની જનતા માટે કાયમ માટે શીરદર્દ સમાન બની રહ્યો છે.
અત્રે ફરી ફરીને ઉલ્લેખ કરવો જરૃરી છે કે, આ વિસ્તારને નો-હોકીંગ ઝોન જાહેર કરવા માટે અદાલતની કાનૂની લડાઈમાં વરસો પછી સર્વોચ્ચ અદાલતમાંથી મહાનગરપાલિકાને સફળતા મળી, પણ સર્વોચ્ચ અદાલતનો આદેશ હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર તેનો અમલ કરાવવામાં નિષ્ફળ ગયું છે તે હકીકત છે. નો-હોકીંગ ઝોનના બોર્ડ પાસે જ રેંકડીઓ, પાથરણાવાળા બિન્દાસ ઉભા રહે છે, એટલું જ નહીં, આ બોર્ડ પર પોતાની ચીજવસ્તુઓ ટીંગાળી મનપાની તો ઠીક સર્વોચ્ચ અદાલતની ઠેકડી ઉડાડી રહ્યાં હોય તેવું લાગે છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ અનેક વખત આ માર્ગ પરથી દબાણો દૂર કર્યા છે તેનો સ્વીકાર કરીએ તો પણ શા માટે ગણતરીના દિવસોમાં જ ફરીથી એવી જ કે તેનાથી પણ ખરાબ સ્થિતિ સર્જાય જાય છે…?? શા માટે અહીં સવારથી રાત્રિ સુધી કડકમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવતો નથી, એકપણ નાના અમથા દબાણને પણ જો ચલાવી લેવામાં ન આવે તો અન્ય દબાણો કરવાની હિમ્મત કોઈ કરે જ નહીં…!