- દરખાસ્તોમાં દમ ન હોય શાસકોએ સ્ટેન્ડિંગ પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં પણ તુષાર સુમેરાને હાજર રાખ્યા
કોર્પોરેશનના ઇતિહાસમાં આજે સૌથી લોએસ્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં માત્ર રૂ.7.97 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. દરખાસ્તોમાં ખાસ દમ ન હોય શાસકોએ સ્ટેન્ડિંગ પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને હાજર રાખ્યા હતા. તમામ 9 દરખાસ્તો અંગેની ચર્ચામાં પણ તેઓ સામેલ થયા હતા અને કોર્પોરેટરો સાથે ઓળખ પરિચય કરાવવામાં આવ્યો હતો.
કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે સંકલન બેઠક મળતી હોય છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી અને ભાજપના તમામ કોર્પોરેટરો હાજર રહેતા હોય છે. આ બેઠકમાં અધિકારીઓ કે કોર્પોરેશનના કર્મચારીઓને હાજર રાખવામાં આવતા હોતા નથી. એક-એક દરખાસ્ત પર વિગતવાર ચર્ચા કર્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવી કે નામંજૂર કરવી તે અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. સંકલનની બેઠક માત્ર ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો પૂરતી હોય છે. પરંતુ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 9 દરખાસ્તો પૈકી એકપણ દરખાસ્તમાં ખાસ કોઇ દમ ન હતો કે જે અંગે સંકલનમાં લાંબી ચર્ચા કરવી પડે. જેનો ફાયદો ભાજપના શાસકોએ ઉઠાવી લીધો હતો. મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ગત સોમવારે ચાર્જ સંભાળ્યો હતો. હજુ સુધી તેઓ એકપણ કોર્પોરેટરોને વ્યક્તિગત રીતે ઓળખતા ન હોય આજે સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે તમામ નગરસેવકો સાથે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાની ઓળખ પરેડ કરાવી હતી. સાથોસાથ તેઓને સંકલનમાં એક-એક દરખાસ્તો અંગે કંઇ રીતે નિર્ણય લેવામાં આવે છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
- કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી નાની સ્ટેન્ડિંગ
- તબીબી આર્થિક સહાયની તમામ ચારેય દરખાસ્તને બહાલી: સેક્રેટરીની રજા પણ મંજૂર
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં આજે સૌથી નાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં માત્ર રૂ.7.97 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. તબીબી આર્થિક સહાયની તમામ પાંચેય દરખાસ્ત મંજૂર કરાય હતી. ગત સ્ટેન્ડિંગમાં રેકોર્ડબ્રેક રૂ.1000 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું. જો કે, બીજી સ્ટેન્ડિંગમાં સૌથી ઓછો ખર્ચ મંજૂર કરાયો હોવાનો રેકોર્ડ બન્યો હતો.
કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂકવવામાં આવતી આર્થિક તબીબી સહાયની પાંચ દરખાસ્તોને બહાલી આપી રૂ.7.81 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમ વેળાએ ચૂકવવાનો બાકી રૂ.16200નો ખર્ચ પણ મંજૂર કરાયો છે. સામાન્ય રીતે ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે માત્ર નિયમ પાલન માટે મળતી હોય છે. આજેપણ કંઇક આવો જ સિનારીયો જોવા મળ્યો હતો.