કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ ઢળી પડ્યા: તાત્કાલીક વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ સારવાર કારગત ન નિવડતા જીવન દીપ બુઝાયો: કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાના ટેકનિકલ પીએ તરીકે ફરજ બજાવતા રસિકભાઇ રૈયાણીને આજે સવારે ફરજ દરમ્યાન કોર્પોરેશનમાં કચેરીમાં જ હૃદ્યરોગનો તિવ્ર હુમલો આવતા દુ:ખદ અવસાન નિપજ્યું છે. એક મળતાવડા અને શાંત સ્વભાવના સાથીના અકાળે અવસાનથી કોર્પોરેશન કચેરીમાં સ્ટાફ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશનરના પીએ ટુ ટેક રસિકભાઇ રૈયાણી આજે સવારે નિયમિત સમયે કચેરી ખાતે હાજર થઇ ગયા હતા. તેઓની તબિયત થોડી નાજુક જણાતી હતી. સવારે 10.30 આસપાસ તેઓ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. પોતાની ઓફિસમાં કોઇ કામ માટે ઉભા થવા જતાં તેઓ ઢળી પડ્યા હતા. તાત્કાલીક તેઓને ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જો કે, સારવાર કારગત ન નિવડતા 56 વર્ષની ઉંમરે રસિકભાઇ રૈયાણીનો જીવન દીપ બુઝાઇ ગયો હતો. તેઓના પાર્થિવ શરીરને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. તેઓનો પુત્ર ઉદયપુર ખાતે અભ્યાસ કરી રહ્યો છે. જે રાજકોટ આવવા માટે રવાના થઇ ગયો છે. સાંજે તેમની અંતિમવિધી કરવામાં આવશે.
એક કર્મનિષ્ઠ અને મળતાવડા સાથી કર્મચારીનું અકાળે અવસાનથી કોર્પોરેશનના સ્ટાફમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. શાસકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.