બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ: વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને ખાડાઓ પૂરવા મેયરની પણ સૂચના

આગામી બે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે કોર્પોરેશનની તમામ શાખાઓને અધિકારીઓ અને કર્મચારીઓને રાઉન્ડ ક્લોક એલર્ટ પર રહેવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વિસ્તારમાં વરસાદના પાણી ભરાય છે અને ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે છે, તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રોડ પર પડેલા ખાડાઓ તાત્કાલીક અસરથી પૂરવા આજે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ત્રણેય ઝોનના સિટી ઇજનેર અને ડેપ્યૂટી ઇજનેરોને તાકીદ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા, સોલીડ વેસ્ટ શાખા, રોશની શાખા, ગાર્ડન શાખા સહિતના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સતત એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદમાં કોઇ જે સ્થળોએ પાણી ભરાતા હોય ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે તાકીદ કરવવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

નદીકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આજે સવારે ત્રણેય ઝોનના સિટી ઇજનેરો અને ડેપ્યૂટી ઇજનેરોને તાત્કાલીક અસરથી રોડ પરના ખાડાઓ પૂરવા આદેશ આપવામાં આવ્યો છે. જરૂર જણાય ત્યાં પેવિંગ બ્લોક ફીટ કરી દેવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત શહેરના જે વિસ્તારોમાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને સર્વિસ રોડ કાઢવામાં આવ્યા છે તે સર્વિસ રોડ પરના ખાડાઓ તાત્કાલીક બૂરવા અને અહીં કાદવ-ચીકડ પણ સાફ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

વરસાદના પાણી ભરાય તો આ નંબરો પર ફોન કરજો

ચોમાસામાં સીઝનને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોનમાં ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જે 24 કલાક ધમધમતા રહે છે. ભારે વરસાદની સ્થિતિમાં જો પાણી ભરાય તો ઝોન વાઇઝ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. કનક રોડ પર આવેલા મુખ્ય ફાયર સ્ટેશનના નં.101 અને 102 ઉપરાંત 0281 2227222, 2250103- 104,105, 106, 107, 108 અને 109 ઉપરાંત 2236183 અને 184, જ્યુબિલી ફ્લડ કંટ્રોલરૂમના નં.0281 2225707 અને 2228741, જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના નં.0281 2977775 અને 2977773 છે. આ નંબર પર વરસાદી પાણી ભરાવવા, વૃક્ષો ધરાશાયી થવા સહિતની અલગ-અલગ ફરિયાદો નોંધાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.