અમિત અરોરાએ ચાર્જ છોડી દીધો
રાજકોટ મહાનગર પાલિકાના 32માં મ્યુનિસિપલ કમિશનર તરીકે આગામી બુધવારે આનંદ પટેલ ચાર્જ સંભાળી લેશે. ડીએમસી અનિલ ધામેલીયા પણ બુધવારે જ ચાર્જ સંભાળે તેવી શક્યતા જણાઇ રહી છે. દરમિયાન આજે અમિત અરોરાએ ચાર્જ છોડી દીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા ગત શુક્રવારે રાજ્યના 101 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના મ્યુનિ.કમિશનર અમિત અરોરાને કચ્છના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટના 32માં મ્યુનિ.કમિશનર તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજ્ય સરકારનો આદેશના પગલે આજે તમામ નવ નિયુક્ત કલેક્ટરોએ ચાર્જ સંભાળી લીધો હતો.
રાજકોટના મ્યુનિ.કમિશનર તરીકે આજે અમિત અરોરાએ ચાર્જ છોડી દીધો હતો અને કચ્છના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આવતીકાલે મહાવીર જયંતિની રજા હોય કાલ સાંજ સુધીમાં નવ નિયુક્તી મ્યુનિ.કમિશનર આનંદ પટેલ રાજકોટ પહોંચી જશે અને બુધવારે ચાર્જ સંભાળી લે તેવી શક્યતા હાલ કોર્પોરેશનના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ડીએમસી અનિલ ધામેલીયા પણ બુધવારે જ ચાર્જ સંભાળે તેવું હાલ દેખાઇ રહ્યું છે.