વોર્ડ નં.9માં રૈયા સ્મશાનને ઇલેક્ટ્રિક ફર્નેસ અને ગેસ આધારિત ફર્નેસ બનાવવાની ચાલુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા સંબંધિત અધિકારીને સુચના
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને વિવિધ કામગીરીની ઓવરઓલ માહિતી મેળવે છે. જેમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે વોર્ડ નં.9માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વધુમાં મ્યુનિ. કમિશનરએ રૈયા સ્મશાનને ઇલેક્ટ્રિક ફર્નેસ અને ગેસ આધારિત ફર્નેસ બનાવવાની ચાલતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ વોર્ડ નં. 9માં ભળેલ મુંજકા ખાતે પ્રાથમિક સુવિધા વહેલાસર ઉપલબ્ધ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરે આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. વોર્ડ નં. 9માં આવેલ રૈયા સ્મશાનને ઇલેક્ટ્રિક ફર્નેસ અને ગેસ આધારિત ફર્નેસ બનાવવા અંગેની કામગીરી હાલ ચાલુ છે, તેના વિશે લગત અધિકારી પાસેથી માહિતી મેળવી કામગીરી સમયસર ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલ મુંજકા ગામમાં પ્રાથમિક સુવિધા જેવી કે સફાઈ, બાંધકામ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય વિગેરે સુવિધાઓ વહેલાસર ઉપલબ્ધ કરવા લગત અધિકારીને સુચના આપી હતી.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ નં. 9ના વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રા અને ડી.ઈ.ઈ. વી.સી.કારિયા હાજર રહ્યા હતા.