સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા આર.આર.એલ.ને વિવિધ સુચનો
રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ રાજપથ લિ. દ્વારા સંચાલિત બી.આર.ટી.એસ. સેવા વધુ ને વધુ લોકભોગ્ય અને સરળ બનાવવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે જાતે જ બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરી કરી સેવાઓની સમીક્ષા કરી હતી. સાથોસાથ આ પરિવહન સેવાઓ વધુ પીપલ ફ્રેન્ડલી બનાવવા કેટલાક સુચનો પણ કર્યા હતાં.
મ્યુનિ. કમિશનરે આજે બપોરે ૧૨.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન બિગ બજાર બસ સ્ટોપથી માધાપર ચોક સુધી બી.આર.ટી. એસ.ની બસમાં મુસાફરી કરી હતી. આ દરમ્યાન તેઓએ સમગ્ર સર્વિસ ડિલિવરીનું નિરીક્ષણ કર્યા બાદ આર.આર. એલ.ને કેટલાક સુચનો કર્યા હતાં.
તેમણે અન્ય મુદ્દાઓ વિશે વાત કરતા કહ્યું કે, દરેક બસ સ્ટોપ પર આર.એફ.આઈ.ડી. ડોર મુકાયેલા છે. મેટ્રો સર્વિસની જેમ આ દરવાજા પર જે તે બસ સ્ટોપનું નામ તેમજ ત્યારપછીના બસ સ્ટોપનું નામ લખવામાં આવશે જેથી દરેક મુસાફરને એ ખ્યાલ રહે.
કમિશનરે કહ્યું કે, બી.આર.ટી.એસ.ની બસમાં કંડકટર હોતા નથી. આવા સંજોગોમાં ડ્રાઈવરને મુસાફરો સાથે કમ્યુનિકેટ કરવામાં કોઈ મુશ્કેલી ના રહે તે માટે દરેક બસમાં ડ્રાઈવરને માઈકની સુવિધા આપવામાં આવશે. માઈકની મદદથી ડ્રાઈવર મુસાફરોને આવશ્યક માહિતી કે અન્ય સૂચનાઓ આપી શકશે.
મુસાફરી દરમ્યાન ધ્યાનમાં આવેલી અન્ય એક બાબતને ગંભીરતાથી ધ્યાનેમાં લેતા કમિશનરે કહ્યું કે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શૈક્ષણિક ઝોન પણ વિકસિત થયેલ છે અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ઇન્દિરા સર્કલ કે અન્ય ચોકમાં ૧૫૦ ફૂટનો રોડ ઓળંગવા બી.આર.ટી.એસ. ટ્રેક ક્રોસ કરી અવરજવર કરતા દેખાયા છે. ઇલલીગલ ક્રોસિંગની આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા છાત્રોની સુરક્ષા સલામતી માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી છાત્રો કોઇપણ પ્રકારના જોખમ વગર રસ્તો ક્રોસ કરી શકે.
આ ઉપરાંત બી.આર.ટી. એસ.ના તમામ બસ સ્ટોપ અને બસમાં જ્યાં ક્યાંય પણ નાનામોટા રિપેરિંગની જરૂરત હોય તે સત્વરે હાથ ધરવામાં આવશે. કમિશનરની મુસાફરી દરમ્યાન નાયબ કમિશનર ચેતન નંદાણી અને રાજકોટ રાજપથ લિ.ના જી.એમ. જયેશ કુકડીયા સાથે રહયા હતાં.