ખોટી માહિતી આપવાથી કોરોના ગંભીર પરિસ્થિતિ સર્જી શકે: ઉદીત અગ્રવાલ

કોરોના વાઇરસને મ્હાત આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દરરોજ શ્રેણીબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાપાલિકા દ્વારા લોકોને ઘરે જ સારવાર મળી શકે અને ઝડપી સારવાર મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી  છે જેમાં મનપાની ૧૨૦૦ થી વધુ ટીમ ઘરે ઘરે જઈને ઘરના સભ્યોની માહિતી એકત્ર કરે છે ઘરમાં કોઇ સભ્યો બિમાર છે કે નહી, ઘરમાં કોઇ મોટી ઉંમરના છે કે નહી, જેવી માહિતી મેળવી જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવે છે જેનાથી વહેલું નિદાન અને વહેલી સારવાર આપી શકાય. હાલ જયારે મહાનગરપાલિકા કોરોના સામે જંગ લડી રહી છે ત્યારે શહેરીજનોએ પણ સહકાર આપ્યો છે પરંતુ એવી માહિતી પણ આવી છે કે લોકો મહાનગરપાલિકાને સાચી માહિતી આપતા નથી. જેના કારણે જે-તે વ્યક્તિને કોરોના પોઝિટીવ આવ્યે દર્દીની ગંભીર હાલત થઇ શકે છે, તો મહાનગરપાલિકાની ટીમ જયારે સર્વેલન્સ માટે ઘરે આવે તો ઘરના સભ્યોની સાચી માહિતી આપવી, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુ માહિતી અપાતા મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા એક પરિવારને ત્યાં સર્વેલન્સ કરવા ગયેલ, જ્યાં તેમને માહિતી આપવામાં આવેલ કે અમારા ઘરમાં ૫ સભ્યો છે અને કોઇ જ સભ્યો બિમાર નથી તેમજ કોઇ જ મોટી ઉંમરના સભ્ય નથી. ત્યારબાદ તા. ૦૧-૧૦-૨૦૨૦ ના રોજ એ જ પરિવાર મહાનગરપાલિકાના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કરાવવા ગયેલ જ્યાં તેમના પરિવારના એક ૭૦ વર્ષના સભ્યનું ઓક્સિજન લેવલ ૫૧ આવતા આરોગ્ય કેન્દ્રએ તુર્ત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેમની પરિસ્થિતિ ગંભીર છે તેમજ તેમનું ઓક્સિજન લેવલ ૪૦ થઇ ગયુછે. જો આ દર્દીના પરિવારના સભ્યએ સર્વેલન્સ દરમ્યાન સાચી માહિતી આપું હોત તો મહાનગરપાલિકા દ્વારા તેમના પરિવારની સંભાળ લેવામાં આવ્યી હોત અને હોસ્પીટલમાં સારવાર માટે જવાની નોબત ન આવી હોત. તેમને વહેલી સારવાર પ્રાપ્ત થઇ શકી હોત અને ઘરે જ પોતાની તબિયત સ્વસ્થ બનાવી શકત.

આ જ પરિવારના ઘરે પહેલા તા. ૦૩-૦૯-૨૦૨૦ ના રોજ ગયેલ ત્યાર બાદ મનપાની ટીમ રી-સર્વે માટે તા. ૧૦-૦૯-૨૦૨૦, તા. ૧૪-૦૯-૨૦૨૦, તા. ૧૮-૦૯-૨૦૨૦, તા. ૨૩-૦૯-૨૦૨૦ અને તા. ૨૯-૦૯-૨૦૨૦ ગયેલ હતી. દરેક વખતે આ પરિવારે મનપાના અધિકારી / કર્મચારીને ખોટી માહિતી આપીહતી. હવે જયારે તે પરિવારના એક સભ્યને કોરોના પોઝિટિવ આવેલ છે ત્યારે પરિવારે સત્યનો સ્વીકાર કર્યો કે અમે મનપાના અધિકારી / કર્મચારીને ખોટી માહિતી આપી હતી અને જેના લીધે આજે અમારા પરિવારના એક સભ્યની હાલત ગંભીર બની છે. તે જ પરિવારે લોકોને અપીલ કરીને મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારી ઘરે સર્વે કરવા આવે ત્યારે માહિતી છુપાવવી નહી અને ખોટી માહિતી આપવી નહી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક નાગરિકને સારવાર આપવી અને ઘરે રહીને જ કોરોનાને મ્હાત આપે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો ઘર આંગણે જ સારવાર લઇ શકે તે માટે ધનવંતરી રથ, સંજીવની રથ, ટેસ્ટીંગ વ્હીકલ, ૧૦૪ સેવા રથ જેવી સેવા ઉપલબ્ધ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.