શુક્રવારે તપસમ્રાટ તીર્થધામમાં પૂ.નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે ગુરૂદેવ રતિલાલજી મ.સા.નો પુણ્ય સ્મૃતિ અવસર: ગુરૂ ભગવંતના પુણ-ગુંજન અને ભક્તિ સ્તવના અર્પણ કરી ભાવિકો શ્રધ્ધાંજલી આપશે
તપસમ્રાટ પૂજય ગુરુદેવ રતિલાલ મહારાજ ૨૦મી પુણ્ય સ્મૃતિના અવસરે એમને ભાવભીની ભક્તિભીની શ્રદ્ધાંજલી અર્પણ કરતા કાર્યક્રમનું અનોખુ આયોજન રાજકોટ સ્થિત તપસમ્રાટ તીર્થધામના આંગણે ગુજરાતરત્ન પૂજય સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ્ આદર્શયોગિની પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજી આદિ મહાસતીજી વૃંદના સાંનિધ્યમાં શુક્રવારે, સવારે ૦૯.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
જૈન ધર્મના આગમ ગ્રંથ દશવૈકાલિક સૂત્રના ૪થા અધ્યયનમાં સાધક જીવનમાં જ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરતી ગાથાઆવે છે કે ‘પઢમ જાણંમ તઓ દયા’ અર્થાત પહેલાં જ્ઞાન પછી દયા. જેમ-જેમ જ્ઞાન વધતું જાય, તેમ-તેમ સાધકના અંતરમાં દયાનો ભાવ સહજ રીતે પ્રગટ થતો જાય છે. તેથી જ સાધુ સમાચારીમાં પરમાત્માએ સાધુને દિવસના ચાર પ્રહરમાં (દિવસના ચાર ભાગમાંથી) બે પ્રહર અને રાત્રિના ચાર પ્રહરમાંથી બે પ્રહરમાં સ્વાધ્યાય કરવાની આજ્ઞા કરેલી છે. સાધક સ્વાધ્યાયમાં જેમ ઉંડા ઊતરે તેમ તેના જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે.
પરથી દૂર કરીને પરમ તરફ લઇ જનારા ઉપકારી તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવની પ્રબળ જ્ઞાનરુચિ વિષે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે સંયમ જીવનની શરૂઆત થઈ અને મુનિ રતિલાલે એકમાત્ર અભ્યાસના લક્ષે ગુરુની આજ્ઞાપૂર્વક બાર-બાર વર્ષ સુધી મૌન રહેવાનો સંકલ્પ કરી લીધો. સતત મૌનની મસ્તીમાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો. સ્વાધ્યાયમાં એટલી એકાગ્રતાકે કલાકની ૪૦-૪૦ ગાથાઓ કંઠસ્થ કરી લેતા હતા. ટૂંફ સમયમાં ૧૯ આગમ ગ્રંથોના સર્વ શ્ર્લોકો કંઠસ્થ થઈ ગયા.
હાલતાં ચાલતાં, ઉઠતાં, બેસતાં મનમાં આગમપાઠ અને ગાથાઓનું રટણ રહેતું હતું. કપડા ધોવા આદિ કાર્ય સમયે પણ બાજુમાં પુસ્તક ખુલ્લું રહેતું અને ચિત્ત સ્વાધ્યાયમાં મગ્ન હોય. સ્વયં અપ્રમત્તપણે જ્ઞાનની આરાધના કર્યા પછી અનુભવ્યું કે સાધનાની વિશુદ્ધિ જ્ઞાન આરાધના વિના શક્ય નથી. તેથી તેઓએ જ્ઞાનારાધનાની જબરદસ્ત પ્રેરણા આપી હતી.
તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવની એ દીક્ષાના બીજા જ વર્ષથી પાણીનો ત્યાગ કરી દીધો, ૨૨ વર્ષ સુધી માત્ર છાશની પરાશ જ વાપરી. એક તરફ સ્વાધ્યાય અને એક તરફ ત્યાગ. એક તરફ મૌનની સાધના અને એક તરફ તપસાધના. ૨૨ વર્ષ વરસીતપની આરાધના, ૩ વર્ષ લગાતાર છઠ્ઠના પારણે છઠ્ઠ, ૩ વર્ષ લગાતાર અઠ્ઠમના પારણે અઠ્ઠમની તપ આરાધના તેઓશ્રી એ કરી.અને માટે તેઓશ્રી તપસમ્રાટનાં નામે જગ પ્રસિદ્ધ થયા.
સર્વ સંત -સતીજીઓને સામૂહિક ચાતુર્માસ કરાવવું તેમાં પોતાના દીર્ધ સંયમ પર્યાય અને પરિપક્વ થયેલી સાધના દ્વારા જે અનુભવ અર્ક પ્રાપ્ત થયો છે તે પરિવારને આપવો તેવી ભાવનાથી જ દૂર-સુદૂર વિચરતાં સંત-સતીજીઓને ઈ. સ.૧૯૯૨માં રાજકોટ ચાતુર્માસ માટે આદેશ આપ્યો.
તપ સમ્રાટ પૂજ્ય ગુરૂદેવએ તે ચાતુર્માસ દરમ્યાન આજીવન મૌન ગ્રહણ કરતાં પહેલાં પ્રભુ મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના આપી.આ વાંચનના માધ્યમથી તેઓએ સાધકો માટે સાધના માર્ગને પૂર્ણપણે પ્રગટ કર્યો. એટલું જ નહીં, જૈન ધર્મના ધર્મગ્રંથ- ૩૨ આગમોના ગુજરાતી અનુવાદ માટે અંતરના અહોભાવ સહ આશીર્વાદ આપ્યાહતા.
૦૮.૦૨.૨૦૧૯, શુક્રવારે, આવા ગુરુ ભગવંતોના જીવનમાંથી પ્રેરણા લઇ સદ્દભાગી બનવા માટેરાજકોટના તપસમ્રાટ તીર્થધામની પાવન ભૂમિ પર ગુરુ પુણ્યસ્મૃતિ અવસરે પધારવા સર્વને અનુરોધ કરાયો છે.