રાજ્યની 8 નગરપાલિકાની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.466.50 કરોડ ફાળવાયા
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છાશવારે એવી જાહેરાત કરે છે કે, રાજ્યમાં પૈસાના વાંકે વિકાસ કામો ક્યારેય નહીં અટકે અને તેઓનું આ નિવેદન હંમેશા સાર્થક થાય છે. શાસકોએ હજુ શાસન ધુરા સંભાળી પણ નથી ત્યાં મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની 8 મહાનગર પાલિકાઓને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂા.466.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાને રૂા.41.84 કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા આંતર માળખાકીય સુવિધાના કામ માટે રાજ્યની છ મહાનગરપાલિકાઓને રૂા.1555 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે. ગત ઓગષ્ટ મહિનામાં આ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે 50 ટકા રકમ એટલે કે, રૂા.777.50 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. દરમિયાન આજે વધુ 30 ટકા લેખે ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. જેમાં અમદાવાદ મહાપાલિકાને રૂા.172.88 કરોડ, સુરત મહાપાલિકાને રૂા.141.11 કરોડ, વડોદરા મહાનગર પાલિકાને રૂા.52.90 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂા. 139.48 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે. જેમાં પ્રથમ હપ્તામાં રૂા.69.74 કરોડ ફાળવાયા બાદ આજે બીજા હપ્તામાં 41.84 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગર પાલિકાને રૂા.19.54 કરોડ, જામનગર મહાપાલિકાને રૂા.18.52 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂા.9.70 કરોડ અને ગાંધીનગર મહાપાલિકાને રૂા.9.98 કરોડ સહિત આજે 8 મહાપાલિકાઓને વિકાસ કામો માટે રૂા.466.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે આંતર માળખાકીય સુવિધના કામ માટે મંજૂર કરાયેલી રૂા.1555 કરોડની ગ્રાન્ટમાં 20 ટકાનો છેલ્લો હપ્તો બાકી રહે છે.