ભૂજ એસઓજીએ સપ્લાયરના ડ્રાઇવર અને પેટ્રોલ પંપના ત્રણ કર્મચારી સહિત સાતની કરી ધરપકડ: રૂ.૩૪ લાખનું ચોરાઉ ડીઝલ કબ્જે
દરિયાય પેટ્રોલિંગ કરતી કોસ્ટ ગાર્ડની બોટ માટે વપરાતા ડિઝલ ચોરી કૌભાંડનો ભૂજ એસઓજીએ કરી સાત શખ્સોની ધરપકડ કરી રૂ.૬૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છના આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદમાં પેટ્રોલિંગ કરતી કોસ્ટ ગાર્ડની બોટ માટે લઇ જવાતા ડિઝલનો જથ્થો બારોબાર ચોરી પેટ્રોલ પંપ વેચી નાખવાના ચાલતા કૌભાંડ અંગે ભૂજ એસઓજી સ્ટાફને મળેલી બાતમીના આધારે મુન્દ્રના કપાયા ગામે વોચ ગોઠવી ડિઝલનો જથ્થો લઇ જતું ટેન્કરની તપાસ કરતા નિયત જથ્થા કરતા ઓછુ ડિઝલ હોવાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો.
મોટા કપાયા પાસે આવેલા વિનાયક પેટ્રોલ પંપ ખાતે ચોરાઉ ડિઝલનું વેચાણ કરવામાં આવતું હોવાથી પોલીસે દરોડો પાડી પેટ્રોલ પંપના ત્રણ કર્મચારીને ઝડપી લીધા હતા. ત્રણેય કર્મચારીની પૂછપરછ દરમિયાન કોસ્ટ ગાર્ડને સપ્લાય કરવા ઉપયોગમાં લેવાતા ટેન્કરના ચાલકો બારોબાર ડિઝલ ચોરીને ત્યાં વેચી જતા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે રૂ.૩૩.૯૦ લાખની કિંમતનો ૫૬,૫૦૦ લિટર ડિઝલ અને ટેન્કર મળી રૂ.૬૪ લાખનો મુદામાલ કબ્જે કરી કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયા છે તે અંગે એએસઆઇ મદનસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.