ચૂંટણીના વેરઝેરનું કારણ કોમી ભડકામાં ફેરવાયુ!
આહિર અને મુસ્લિમ જૂથ્થ વચ્ચે લોહીયાળ ધિંગાણું ખેલાતા કોમી તંગદીલી: બે વર્ષથી ચાલતી અદાવતના કારણે હત્યાકાંડ સર્જાયો
મહિલા સરપંચના પુત્ર અને સસરાની કરપીણ હત્યા પતિ ગંભીર: આહિર જૂથ્થના બે સગા ભાઇ સહિત ચારની લોથ ઢળી
રેન્જ આઇજી વાઘેલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો છસરામાં પડાવ
એસઆરપીનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
પશ્ચીમ કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે ચૂંટણીના મનદુ:ખના કારણે આહિર અને મુસ્લિમ જૂથ્થ વચ્ચે ગત રાતે સશસ્ત્ર ધિંગાણું ખેલાતા આહિર જૂથ્થના બે સગા ભાઇ સહિત ચાર અને મુસ્લિમ જૂથ્થના દાદા અને પૌત્રની કરપીણ હત્યા થતા હાહાકાર મચી ગયો છે.
છેલ્લા બે વર્ષથી બંને જૂથ્થ વચ્ચે ચાલતી અદાવત અંગે બંને સમાજના આગેવાનો અવાર નવાર સમાધાન કરાવી દેતા હતા. દરમિયાન ગઇકાલે ગામમાં બાઇક પુર ઝડપે ચલાવવાના પ્રશ્ને ભડકો થયો હતો. બંને જૂથ્થ તલવાર, ધારિયા, કુહાડી અને પાઇપ જેવા હથિયાર સાથે સામસામે કરેલા હુમલામાં એક સાથે છની લોથ ઢળતા બોર્ડર રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છસરા દોડી ગયા હતા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુન્દ્રા તાલુકાના છસરા ગામની ચૂંટણીમાં મુસ્લિમ જૂથ્થના મહિલા સરપંચ વિજેતા બન્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયથી આહિર અને મુસ્લિમ જૂથ્થ વચ્ચે અદાવત ચાલતી હોવાથી સરપંચ જૂથ્થે છેલ્લા બે માસમાં જ આહિર જૂથ્થ સામે ૪૦થી વધુ નાની મોટી ફરિયાદ કરી હોવાથી આહિર જૂથ્થ સતત તનાવમાં રહેતું હતું.
દરમિયાન સાસંદની ગ્રાન્ટમાંથી છસરામાં સમાજવાડી અને પશુને પીવા માટે પાણીનો અવેડો બનાવવામાં આવતા બંને સમાજ વચ્ચે વિવાદ સર્જાયો હોવાથી બંને જૂથ્થ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. દરમિયાન ગામમાં પુર ઝડપે બાઇક ચલાવવાના પ્રશ્ન્ર લોહીયાળ ધિંગાણું ખેલાયું હતું.
મહિલા સરપંચના ઘર નજીક થયેલી સશસ્ત્ર અથડામણમાં એક જૂથ્થ પોતાની સ્કોર્પીયો કાર સામેના જૂથ્થના મકાનમાં ઘુસાડી ઘાતક હથિયાર સાથે ઘસી આવેલા શખ્સોને કચડી નાખ્યા હતા. જ્યારે સામે પક્ષે તલવાર, ધારિયા અને કુહાડી તેમજ પાઇપ જેવા હથિયારથી તૂટી પડતા અથડામણમાં મહિલા સરપંચના પુત્ર આબિદ અબ્દુલ બુલીયા અને સસરા આમદ અબ્દુલ બુલીયાના મોત નીપજયા હતા.
જ્યારે સામા પક્ષે મગન મ્યાજર આહિર, ભરત મ્યાજર આહિર, ભાર્ગવ પચાણ આહિર અને ચેતન નારણ આહિરના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સશસ્ત્ર અથડામણમાં મહિલા સરપંચના પતિ આરબ આમદ બુલીયા ગંભીર રીતે ઘવાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
છસરામાં એક સાથે છની હત્યાના બનાવની જાણ થતા બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાઘેલા, પશ્ર્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડા, ડીવાય.એસ.પી. જે.એમ.પંચાલ, એસ.ઓ.જી. અને એલ.સી.સી. સ્ટાફ સાથે છસરા દોડી ગયા હતા. છસરામાં ફરી જૂથ્થ અથડામણ થવાની દહેશત સાથે જિલ્લા પોલીસ વડા ભરાડાએ માંડવી, મુન્દ્રા, ભૂજ પોલીસ સ્ટાફને છસરા બોલાવી લીધા હતા અને ભચાઉ ખાતેથી એક કંપની એસઆરપીની મદદ લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુન્દ્ર હોસ્પિટલ ખાતે છ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા ત્યારે હોસ્પિટલમાં ફરી અથડામણ ન થાય તે માટે હોસ્પિટલમાં ખાનગી વાહનોને પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવાર ટાકણે જ છસરામાં ચૂંટણીના મનદુ:ખના કારણે થયેલા કોમી અથડામણના ઘેરાપ્રત્યાઘાત પડવાની દહેશત સાથે પોલીસ સ્ટાફ મુંઝવણમાં મુકાયો છે. અને મુન્દ્ર, માંડવી અને અંજારમાં મુસ્લિમ અને આહિર સમાજની વસ્તી વિશેષ હોવાથી દિવાળીના તહેવાર સમયે જ મોટી અથડામણ થવાની દહેશત વ્યક્ત થઇ રહી છે. છસરામાં થયેલા લોહીયાળ ઘિંગાણાની અસર સવારથી જ ભૂજ, મુન્દ્ર અને માંડવી વિસ્તારમાં જોવા મળી રહી હતી. વેપારીઓએ રાતે જ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા હતા અને સવારે પણ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી રહી હતી.
લોહીયાળ ધિંગાણામાં મૃત્યુ પામેલાની યાદી
મગન મ્યાજર આહિર (ઉ.વ.૨૭), ભરત મ્યાજર આહિર (ઉ.વ.૨૮), ભાર્ગવ પંચાણભાઇ આહિર (ઉ.વ.૨૬) અને ચેતન નારણભાઇ આહિર જ્યારે સામાપક્ષે મહિલા સરપંચના પુત્ર આબિદ આરબ બુલીયા (ઉ.વ.૨૫) અને સસરા આમદ અબ્દુલ બુલીયા (ઉ.વ.૭૦)ના મોત થયા છે. અને આરબ આમદ બુલીયા (ઉ.વ.૪૫) ગંભીર રીતે ઘવાતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.