જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે દિક્ષા મહોત્સવ કાર્યક્રમ સંપન્ન: પૂજય આચાર્ય વિજયકુમુદચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. તથા પૂજય સા.ચા‚લોચના શ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં ઉત્સવપ્રિયા શ્રીજી મહારાજ સાહેબ નામ ધારણ કરી દિક્ષા ગ્રહણ કરી
આજના મોર્ડન યુગમાં યુવા પેઢી નખ-શીખ સુધી ટીપ-ટોપ સ્ટાઈલથી જીવી રહી છે. તેમજ એક સેક્ધડ પણ મોબાઈલથી અળગી ન રહેતી આપણી મોર્ડન યુવાપેઢી નિત નવા ‘ડે’ની ઉજવણીમાં લપેટાઈ છે ત્યારે રાજકોટ જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જાગૃતિબેન તથા રાજેશભાઈ જેઠાલાલ વોરાની લાડલી મુમુક્ષુ વંદના કુમારી (બી.કોમ, પીજીડીસીએ) પૂજય આચાર્ય વિજય મુકુદચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. તથા મુનિરાજ પૂન્ય નિધાન વિજય મ.સા. આદિઠાણાની પાવન નિશ્રામાં પ્રવજયાના પંથે પ્રયાણ કર્યું.
મુમુક્ષુ વંદના કુમારીના પ્રવજયા પ્રસંગ નિમિતે ઉજવાતા ત્રિદિવસીય મહોત્સવમાં તા.૬ને શનિવારના રોજ આદિનાથ ગૃહચૈત્ર્યજિનાલય જીમખાનાથી પૂજય ગુરુ ભગવંતનો સામૈયા સાથે પ્રવેશ થયો હતો. તેમજ કપડા રંગવાનું, છાબ ભરવાનું તથા નવકારશીનો લલીતાબેન લાલચંદ મહેતા પરિવારે લાભ લીધો હતો.
સાધાર્મિક ભકિત તથા ઉવસગ્ગહરં પૂજનનો સ્વ.માનુબેન રાયશી સતરા ભ‚ડિયા પરિવારે લાભ લીધો હતો. શનિવારની પાવનવિધિનો વિધિકાર ડો.પ્રવિણભાઈ મહેતા તથા સંગીત સંધ્યાનો લાભ દિનેશભાઈ પારેખે મેળવ્યો હતો. તા.૭ને રવિવારના રોજ નવકારશી, ભવ્ય વર્ષીદાન વરઘોડો, સ્ટેજ પ્રોગ્રામ, સાધાર્મિક ભકિત, સાંજીના ગીત, અંતિમ વાયણુ સહિતના પાવન અવસરે યોજાયા હતા. અનસુયાબેન રીશી, દિક્ષિતભાઈ શાહ તથા સંજયભાઈ બાઉ સહિતના રવિવારના પાવન પ્રસંગોના લાભાર્થી બન્યા હતા.
દિક્ષા મહોત્સવના મંગલ પ્રસંગે આજરોજ વહેલી સવારે દિક્ષાર્થી ભવ્ય સ્નાત્ર પુજા, નવકારશીના લાભાર્થી પરીવાર શારદાબેન ચંદુલાલ સોજીત્રા તથા સ્વ.પુષ્પાબેન જેઠાલાલ વોરા તથા ગૃહ આંગણેથી વીરની વાટે પ્રયાણ કરાયું હતું. તેમજ સવારે ૮ કલાકે દિક્ષાવિધિનો ભવ્ય મંગલ પ્રારંભ કરાયો હતો. ઉપરાંત બપોરે ૧૨ વાગ્યે સાધાર્મિક ભકિતનું આયોજન કરાયું હતું.
પૂજય પન્યાસ પ્રવક ભદ્રસેન વિજયજી મ.સા. તથા શાસન પ્રભાવક પૂજય આચાર્ય હેમપ્રભ સુરીશ્ર્વરજી મ.સા.ની પાવન ઉપસ્થિતિમાં મુમુક્ષુ વંદના કુમારીએ આજે દિક્ષાગ્રહણ કરી હતી. પ્રવજયાના પંથે પ્રયાણ કરતા મુમુક્ષુ વંદના કુમારીને પૂજય ગચ્છાધિપતિ વિજય કલાપ્રભ સુરીશ્ર્વરજી મ.સા.એ દીક્ષા પ્રદાનની અનુમતિ આપી હતી. તેમજ પૂજય ચિતપ્રસન્ના શ્રીજી મ.સા., પૂજય ભવ્યરંજના શ્રીજી મ.સા., પૂજય ભકિતપ્રિયા શ્રીજી મ.સા., પૂજય કુમુદચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા., દિક્ષામાં નિશ્રા પ્રદાન કરી મહોત્સવને ધન્ય બનાવ્યો હતો. ઉપરાંત પૂજય આચાર્ય વિજય કનક સુરીશ્ર્વરજી મ.સા., વિજય દેવેન્દ્ર સુરિશ્ર્વરજી મ.સા., મુનિરાજ કંચન વિજયજી મ.સા., વિજય કલાપૂર્ણ સુરીશ્ર્વરજી મ.સા. તથા ચન્દ્રોદયા શ્રીજી મ.સા., વિજય કલ્પતરુ સુરીશ્ર્વરજી મ.સા. સહિતનાએ પાવન સાંનિધ્ય સૃષ્ટિમાં મુમુક્ષુ વંદના કુમારી ઉપર દિવ્ય કૃપા વૃષ્ટિ તથા આશિષવૃષ્ટિ વરસાવ્યા હતા. પાવક સંત-સતીજીઓની દિવ્ય અને પાવન ઉપસ્થિતિમાં દિક્ષા ગ્રહણ બાદ મુમુક્ષુ વંદના કુમારીનું ઉત્સવપ્રિયા શ્રીજી મહારાજ સાહેબ નામકરણવિધિ બાદ પ્રવજયા પંથે પ્રયાણ કર્યું હતું.