- જમ્મુ-કાશ્મીરના યુદ્ધવીર સિંહ, નાઝિર અને નબીએ રણજી ટ્રોફી રોહિત સહિતના સ્ટાર ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા: મુંબઈના પહેલી ઇનિંગમાં 120 રનના જવાબમાં જમ્મુ-કાશ્મીરે 206 રન ખડક્યા અને 86 રનની લીડ મેળવી હતી જો કે બીજી ઇનિંગમાં મુંબઈએ 174 રનના સ્કોર પર જ 7 વિકેટ ગુમાવી
જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં મુંબઈનો કેપ્ટન અજિંક્ય રહાણે છે. આ મેચમાં મુંબઈની ટીમ સ્ટાર ખેલાડીઓથી શોભી રહી છે. જો કે સ્ટાર બેટ્સમેનો બીજી ઇનિંગમાં પણ ફ્લોપ રહ્યા છે. મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટીમે પહેલી ઇનિંગમાં 120 રન કરી શકી હતી. જવાબમાં જમ્મુ-કાશ્મીરે 206 રન બનાવ્યા હતા અને 86 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ મુંબઈએ અત્યાર સુધીમાં 174 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી છે. બીજી ઇનિંગમાં પણ મુંબઈનો ધબડકો થયો છે. જો કે મુંબઈમાં સાત ખેલાડીઓ દિગ્ગ્જ છે કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે છતાં ફ્લોપ રહ્યા હતા.યુદ્ધવીરસિંહ, ઉમર નાઝિરનું જોરદાર પ્રદશન રહ્યું હતું અને સ્ટાર ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. બીજી ઈનિંગમાં રોહિત શર્મા ઝડપી બોલર યુદ્ધવીર સિંહ ચરકની શોર્ટ બોલ પર આબિદ મુશ્તાકના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. રોહિતે 35 બોલનો સામનો કરીને 28 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિતે જ્યારે એક રન પર હતો ત્યારે ઉમર નજીર મીરે તેનો કેચ છોડી દીધો હતો. જો કે રોહિત આ જીવનદાનનો કોઈ ફાયદો ઉઠાવી શક્યો ન હતો. યુદ્ધવીર સિંહ ચરકે પોતાની શાનદાર બોલિંગ વડે યશસ્વી જયસ્વાલને પણ પવેલિયન ભેગો કરી દીધો હતો. યશસ્વીએ 51 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. 27 વર્ષીય યુદ્ધવીર સિંહ મીડીયમ પેસર બોલર છે. તેનો જન્મ જમ્મુમાં થયો હતો. તે આઇપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. રાજસ્થાને તેનેઆઇપીએલ 2025ના મેગા ઓકશનમાં 35 લાખમાં ટીમમાં સમાવેશ કર્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ પહેલી ઇનિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. રોહિતે 19 બોલનો સામનો કરીને માત્ર 3 કરીને વિપક્ષી ટીમના કેપ્ટન પારસ ડોગરાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. બીજી તરફ યશસ્વી જયસ્વાલને ઝડપી બોલર આકિબ નબીએ એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો હતો. યશસ્વીએ માત્ર આઠ બોલ રમીને 4 રન કરી આઉટ થઇ ગયો હતો. રણજી ટ્રોફી 2024-25ની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન બધાની નજર ભારતીય ક્રિકેટ ટીમના વનડે અને ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન રોહિત શર્મા પર ટકેલી છે.
જે લગભગ 9 વર્ષ અને 3 મહિના પછી રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમવા ઉતર્યો છે. જો કે રોહિત બાંદ્રાના કુર્લા કોમ્પલેક્ષમાં રમાઈ રહેલી આ મેચની બંને ઇનિંગ્સમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
લાલ બોલમાં રોહિત, પંત, ગિલ, ચેતેશ્ર્વર સહિતના દિગ્ગજો ફેઈલ
ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ભારતના ધુરંધરોને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું ફરજિયાત બનાવતાં ગુરુવારથી શરૂ થયેલા રણજી ટ્રોફીના રાઉન્ડમાં રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિશભ પંત જેવા સ્ટાર્સ રમ્યા હતા પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હતા. રોહિત શર્મા લગભગ એક દાયકા બાદ રણજી ટ્રોફીમાં મુંબઈ માટે રમ્યો હતો પરંતુ તે માત્ર ત્રણ રન કરી શક્યો હતો તો તેનો સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ ચાર રન કરી શક્યો હતો. જોકે સૌરાષ્ટ્ર માટે રમી રહેલા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ દિલ્હી સામે બોલિંગમાં કમાલ કરી હતી અને પાંચ વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમમાં રિસભ પંત રમી રહ્યો છે જે માત્ર એક રન કરી શક્યો હતો. રાજકોટમાં નિરંજન શાહ સી ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હીની ટીમમાં રિશભ પંત રમી રહ્યો હોવાથી આ મેચ રસપ્રદ બનવાની અપેક્ષા હતી પરંતુ પંત માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો હતો. દિલ્હીનો પણ ધબડકો થયો હતો. દિલ્હીની ટીમ 188 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેમાં પંતનું યોગદાન એક રનનું રહ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ખેરવી હતી. આ સાથે તેણે સૌરાષ્ટ્ર માટે રણજી કારકિર્દીની 200 વિકેટનો આંક પણ વટાવ્યો હતો. ગુરુવારથી શરૂ થયેલી રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં નિષ્ફળ રહેલા બેટ્સમેન આ મુજબ રહ્યા હતા. 15થી ઓછો સ્કોર નોંધાવનારા બેટ્સમેનની યાદી. શિવમ દૂબે (00), રજત પાટીદાર (00), રિશભ પંત (01), વિજય શંકર (01), રોહિત શર્મા (03), યશસ્વી જયસ્વાલ (04), શુભમન ગિલ (04), હનુમા વિહારી (06), ચેતેશ્વર પૂજારા (06), પ્રભસિમરનસિંઘ (06), ઋતુરાજ ગાયકવાડ (10), શ્રેયસ ઐયર (11), અજિંક્ય રહાણે (12).