આઈપીએલ પ્લે ઓફમાં રાજસ્થાનને પહોંચવાની આશા જીવંત
આઈપીએલની ૧૩મી સીઝન અત્યંત રોમાંચક તબકકામાં પહોંચી ગઈ છે ત્યારે આઈપીએલની શરૂઆતથી જ મુંબઈ પરફેકટ ઈલેવન ટીમ તરીકે પ્રસ્થાપિત થયેલી છે ત્યારે યથાવત રીતે મુંબઈ પ્લે ઓફમાં પહોંચવાની સાથે પ્રથમ ક્રમાંક પર રહે તે હેતુસર ટીમની રમત જોવા મળતી હતી પરંતુ હાલ છેલ્લો મેચ જે રાજસ્થાન રોયલ્સ સામે રમાયો તેમાં મુંબઈ ઈન્ડિયન્સનો ‘અખતરો’ ‘ખતરો’ બની ગયો હતો. આઈપીએલની ૧૩મી સીઝનમાં મુંબઈની ટીમને હરાવવા માટે તમામ ટીમોને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી પરંતુ છેલ્લા બે મેચમાં જે રીતે મુંબઈ ઈન્ડિયન્સનું સુકાનીપદ કેરોન પોલાર્ડે સંભાળ્યું ત્યારબાદ સ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. કેરોન પોલાર્ડ સુકાનીપદે આવતાની સાથે જ તેને બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ કેરોનની બોલીંગ શેરી રમત રમતા ખેલાડીઓ જેવી જોવા મળી હતી જેનો લાભ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ ખુબ સારી રીતે ઉઠાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા બેન સ્ટોકસે ૬૦ બોલમાં નાબાદ ૧૦૭ રન બનાવ્યા હતા. જયારે બીજી તરફ સંજુ સેમસંગે ૩૧ બોલમાં ૫૧ રનની ઈનીંગ રમી મુંબઈ ઈન્ડિયન્સને રોયલ મ્હાત આપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ વિશે જો વાત કરવામાં આવે તો ટીમ કોમ્બીનેશન અત્યંત મજબુત હોવાના કારણે અન્ય ટીમોને તેને મ્હાત આપવી અત્યંત કપરી બની જતી હોય છે પરંતુ રાજસ્થાન સામેના મેચમાં હાર્દિક પંડયાએ ૨૧ બોલમાં ૬૦ રનની વિસ્ફોટક ઈનીંગ રમી હતી. હાલ લીગ મેચ પુરા થવાની આડે છે ત્યારે પ્લે ઓફમાં પહોંચવામાં મુંબઈ ઈન્ડિયન્સને સફળતા મળી છે પરંતુ પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમે પહોંચવા માટે ટીમ મહેનત કરી રહી છે ત્યારે બાકી રહેતા મેચોમાં જીત પ્રાપ્ત કરી પોઈન્ટ ટેબલમાં મોખરે રહેવાનો પ્રયત્ન મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કરવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સનું ટીમ કોમ્બીનેશન અન્ય ટીમોની સરખામણીમાં વધુ મજબુત હોવાનું સામે આવ્યું છે પરંતુ જો મુંબઈ આગામી બાકી રહેતી મેચોમાં અખતરો નહીં કરે તો ટીમને ફાયદો પહોંચશે નહીંતર ટીમનો અખતરો ખતરો પણ બની જશે જે રાજસ્થાન સામેના મેચમાં જોવા મળ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત રાજસ્થાનને પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રહી છે ત્યારે બાકી રહેતી મેચો જો સારી રન રેટથી જીતે તો પ્લેઓફમાં સરળતાથી પહોંચી શકશે.