ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. કોંકણ સહિત દક્ષિણ મહારાષ્ટ્ર, વિદર્ભ તેમજ મરાઠાવાડના કેટલાક વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે. દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદના કારણે મુંબઈના લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈમાં ગુરૂવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ઘણી ખરાબ રીતે અસર પામ્યું છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયાં છે. જગ્યાએ-જગ્યાએ ટ્રાફિક જામનો લોકો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપ્યા પછી બીએમસીએ પોતાના કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજાઓ રદ કરી દીધી હતી. ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઇ છે.
લોકલ ટ્રેન મોડી થવાથી યાત્રીઓને તકલીફ
મૂશળધાર વરસાદને કારણે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈ અને ઉપનગરીય શહેરોમાં ભારે વરસાદની સંભાવનાઓને કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને પગલે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.મોડી ચાલી રહેલી લોકલ ટ્રેનોના કારણે યાત્રીઓને ઘણી તકલીફ થઇ રહી છે. થાણેમાં પણ મૂશળધાર વરસાદને કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાયાં છે.