વિરારમાં પાણી ભરાતા તેમજ ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં વિતેલા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને પગલે સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદને પગલે રોડ પર અકસ્માત અને અન્ય સંબંધિત ઘટનાઓમાં સાતનાં મોત થયા છે. રસ્તાઓ, ઓવરબ્રિજથી લઈને કોમ્પ્લેક્સ અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે જેને પગલે રેલ અને રોડ વ્યવહાર પ્રભાવિત થયો છે.
હવામાન વિભાગના મતે સોમવારે ૮.૩૦ સુધીમાં કોલાબામાં ૨૪ કલાકમાં ૧૭૦.૬ એમ એમ વરસાદ નોંધાયો હતો જે સીઝનનો સૌથી વધુ વરસાદ છે.
દરમિયાન દહાણુમાં સવારે ૫.૩૦ સુધીમાં ૩૦૮ એમ એમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સાંજથી વરસાદ વધુ જોર પકડી શકે છે.
તેમજ આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કુર્લામાં વરસાદને પગલે હલાવપુલ ખાતે એક ત્રણ માળની ઈમારતનો ભાગ ધરાશયી થયો હતો અને આ ઘટનામાં પાંચ લોકો ઘવાયા હતા. વરસાદને પગલે વિરારની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
રોડ પર પાણી ભરાવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રેલવે પર સ્કાયવોક્સ પર પણ પાણી ભરાઈ જતા ઓફિસ અને સ્કૂલે જતા બાળકોને હાલાકી પડી હતી. કુર્લા, થાણે, અંધેરી, સાયન, માટુંગા, ધારાવી, ભિવંડી અને કલ્યાણમાં રસ્તા પર પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. લોકોને કામ સિવાય બહાર નહીં નિકળવા અને ઘરોમાં રહેવા સલાહ આપવામાં આવી છે.
અતિશય ભારે વરસાદથી ટ્રેનો લેટ ચાલી રહી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે નાલા સોપારામાં ટ્રેક પર પાણી ભરાતા ટ્રાફિક સ્થગિત કરી દેવો પડ્યો હતો. સબર્બન લાઈન્સ પર ટ્રેનો ૧૬ મિનિટ લેટ ચાલી રહી છે.
રવિવાર બાદ મુંબઇમાં આજે પણ સવરાથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને બોરીવલી, નાલાસોપારા, વાશી, થાણે તેમજ આસપાસના વિસ્તારો ઉપરાંત મુંબઇ શહેરના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.
વરસાદના કારણે લોકલ ટ્રેનોના શિડયુલ ખોરવાયા છે. અને ઓફીસે જવા નીકળેલા લોકોને પણ પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે.
કેટલીક જગ્યાએ તો રેલવે સ્ટેશનોમાં પણ પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોની તો હાલત ખરાબ થઇ ગઇ છે.