હાર્દિક પંડયાના ૧૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૩૭ રન બનાવી મુંબઈને વિજય અપાવ્યો

ઈન્ડિયન પ્રિમીયર લીગની સીઝન-૧૨ના ૩૧માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈનો આઠ મેચોમાં આ પાંચમો વિજય છે. જયારે બેંગ્લોરનું ૮ મેચમાં ૭મો પરાજય છે. પ્રથમ બેટીંગ કરતા આરસીબીએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ ૧૯ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૭૨ રન બનાવી ૫ વિકેટે જીત હાંસલ કરી હતી. હાર્દિક પંડયાએ ૧૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૩૭ રન બનાવી મુંબઈને જીત અપાવી હતી. બેંગ્લોર તરફથી એ.બી.ડી.વીલીયર્સ અને મોઈન અલીએ અર્ધ સદી ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે, બીજા દાવમાં મોઈન અલીએ એક ઓવરમાં મુંબઈને બે ઝટકા આપ્યા હતા. જેમાં પહેલા રોહિત શર્મા અને કવીન્ટન ડીકોકને આઉટ કર્યો હતો. ૮મી ઓવરના પ્રથમ બોલમાં મુંબઈને પ્રથમ ઝટકો આપ્યો હતો. મોઈન અલીએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માની ૨૮ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ ડીકોકને પણ ૪૦ રનના સ્કોર પર આઉટ કર્યો હતો. ૧૧મી ઓવરના ૩જા બોલ પર યજુવેન્દ્ર ચહલે ઈશાન કિશનને ૨૧ રનના સ્કોર પર પેવેલીયન ભેગો કર્યો હતો.

ત્યારબાદ ચહલે સૂર્યકુમાર યાદવને પણ આઉટ કર્યો હતો અને અંતમાં ૧૮મી ઓવરના ૪થા બોલ પર કુણાલ પંડયા ૧૧ રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ પહેલા મુંબઈએ વાનખેડે સ્ટેડીયમમાં ટોસ હારી પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ૧૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી મલીંગા ઘાતક બોલીંગ કરતા ૪ વિકેટ ઝડપી હતી. જો કે, બેંગ્લોરની શ‚આત ખરાબ રહી હતી.

૩જી ઓવરના પ્રથમ બોલે વિરાટ કોહલી ૮ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ૭મી ઓવરના અંતિમ બોલમાં પાર્થિક પટેલ પણ આઉટ થઈ ગયો હતો. જો કે ત્યારબાદ મોઈન અલી અને ડી.વીલીયર્સે મોરચો સંભાળતા બેંગ્લોરને ૧૪૪ રન સુધી લઈ ગયા હતા. ત્યારબાદ બેંગ્લોરને વધુ એક ઝટકો લાગતા મોઈન અલી આઉટ થઈ ગયો હતો જેને મલીંગાએ આઉટ કર્યો હતો.

મલીંગાની ઘાતક ચાર વિકેટ અને હાર્દિક પંડયાના વિસ્ફોટક ૩૭ રનના સહારે મુંબઈ ઈન્ડિયન્સ ૫ વિકેટે જીતી ગયું હતું. મુંબઈની આ પાંચમી જીત છે અને બેંગ્લોર સાતમી હાર સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.