રોહિત શર્મા આઈપીએલ ટ્રોફી ચાર વખત જીતનાર પ્રથમ સુકાની બન્યો, ૨૦૧૭માં પણ મુંબઈએ એક રનથી ફાઈનલ જીતી હતી
છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી આઈપીએલ-૨૦૧૯ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને ચોથી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી આઠ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ચેન્નઈની ટીમ સાત વિકેટે ૧૪૮ રન બનાવી શકી હતી. આમ છેલ્લા સાત વર્ષમાં મુંબઈ ચોથી વખત ચેમ્પિયન બની છે. આ પહેલાં તે ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં ચેમ્પિયન બની ચુકી હતી. ૨૦૧૭માં પણ મુંબઈની ટીમે એક રનથી ફાઈનલ જીતી હતી ત્યારે તેણે રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટસને હરાવી હતી.
ચેન્નઈએ છેલ્લા બોલે વિજય માટે બે રનની જરૂર હતી અને મલીંગાને સ્લો બોલ યોરકર મુકતાની સાથે જ તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈએ ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવ્યું હતું. મુંબઈ વિરુઘ્ધ ૧૫૦ રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી ચેન્નઈ ટીમનાં સેન વોટસને સૌથી વધુ ૮૦ રન બનાવ્યા હતા પરંતુ ટીમને જીતાડવામાં તેઓ નાકામ રહ્યા હતા. મુંબઈનાં સુકાની રોહિત શર્મા પાંચ ખિતાબ જીતનાર પહેલો ખેલાડી બન્યો છે.
અગાઉ પણ ૨૦૧૭માં પૂણેને હરાવી મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક રનથી ચેમ્પિયન બન્યું હતું ત્યારે મેન ઓફ ધ મેચ તરીકે જસપ્રીત બુમરાહ ૧૪ રન આપી બે વિકેટ લીધી હતી. વધુમાં વાત કરવામાં આવે તો ચેમ્પીયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ૨૦ કરોડ રૂપિયા અને રનર્સઅપ ટીમને ૧૨.૫ કરોડ રૂપિયા આઈપીએલ દ્વારા આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત આઇપીએલ ૨૦૧૯માં ત્રીજા અને ચોથા નંબરની ટીમને પણ કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રીજા નંબર ઉપર દિલ્હી કેપિટલ્સ અને ચોથા નંબર પર સનરાઇઝર્સ હૈદરાબાદને રૂપિયા આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે આઇપીએલની રોમાંચકતા વધતી જાય છે અને વિદેશી પ્લેયરો પણ આઇપીએલમાં રમીને સફળ નીવડે છે દર વર્ષે આઇપીએલની વિજેતા ટીમની રકમમાં વધારો થાય છે ત્યારે આ વખતે મુંબઇ ઇન્ડિયન્સને ૨૦ કરોડ અને રનર્સઅપ ટીમ ચેન્નાઇને ૧૨.૫ કરોડ રૂપિયા આઇપીએલ દ્વારા આપવામાં આવ્યા હતા.
વાઇડથી “વાઇડ અમ્પાયરની આબરૂ માંડ બચી!!!
આઈપીએલ-૨૦૧૯નો ફાઈનલ મેચ ખુબ જ રસપ્રદ બન્યો હતો. મેચ છેલ્લાં બોલ સુધી રોમાંચક તબકકામાં રહ્યો હતો ત્યારે પ્રથમ બેટીંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૧૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે મુંબઈ પ્રથમ બેટીંગમાં ૧૯મી ઓવરમાં ખુબ જ રોમાંચ જોવા મળ્યો હતો. જયારે બંને વેસ્ટ ઈન્ડિઝ પ્લેયરો આમને-સામને હતા ત્યારે મેચમાં ભારે રોમાંચ ક્રિકેટ રસિકોએ નિહાળ્યો હતો.
બ્રાવો દ્વારા નાખવામાં આવેલા વાઈડ બોલ હોવા છતાં અમ્પાયર દ્વારા તેને વાઈડ બોલ ન આપતા બેટસમેન કેરોન પોલાર્ડ ખુબ જ વિવર્શ થઈ જઈ ક્રિઝથી અનેક પગલા દુર જઈ બેટ હવામાં ઉછેડયું છે. આ ઘટના સામે આવતા ફિલ્ડ અમ્પાયર કેરોન પોલાર્ડ તરફ દોડી આવ્યા હતા અને પોલાર્ડ દ્વારા આચરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું.
એક સમયે એવું પણ લાગતું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ સન્માનજનક સ્કોર સુધી નહીં પહોંચી શકે ત્યારે કિઝ પર જયારે કેરોન પોલાર્ડ મેદાન પર ઉતર્યો ત્યારે અંતિમ ઓવરના પ્રથમ બોલ પર એકપણ રન આવ્યો ન હતો ત્યારબાદ બીજી અને ત્રીજા દડે પણ પોલાર્ડ એકપણ રન લેવામાં નિષ્ફળ નિવડયો હતો. જોકે ત્યારબાદ કિરોન પોલાર્ડે બે ચોક્કા મારીને સન્માનજનક સ્કોર પર મુંબઇ ઇન્ડિયન્સને પહોંચાડી દીધું હતું. ત્યારે છેલ્લી ઓવરમાં માત્ર ૨ બાઉન્ડ્રી જ ફટકારવામાં પોલાર્ડ સફળ નિવડયો હતો અને એક રન એકસ્ટ્રા આવતા એમ કુલ ૯ રન છેલ્લી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રાપ્ત થયા હતા.