- વાહ રે દિલ્હી…
- જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને હરાવનારી પ્રથમ ટીમ બની
ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12રનથી હરાવ્યું છે. આ સાથે જ મુંબઇએ સતત ચાર મેચ જીતેલી દિલ્હીને આ સિઝનમાં પહેલી વખત હારનો સામનો કરાવ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરીને મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.જો કે મેચ દિલ્હીના હાથમાં જ હતી પરંતુ 19મી ઓવારના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ ખેલાડીઓ રનઆઉટ થઇ ગયા હતા અને દિલ્લીને હારનો સામનો કરવો પડ્યો હતો.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી. મુંબઇ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 33 બોલમાં 59 રન બનાવ્યા હતા. જે પછી સુર્યકુમાર યાદવે 28 બોલમાં 40 રન અને રિયાન રિકલ્ટને 25 બોલમાં 41 રન ફટકારીને મુંબઇને 205 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગ કરતી વખતે કર્ણ શર્માએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મિચેલ સાન્ટનરે 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
206 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ બોલમાં મુંબઇના દીપક ચાહરે દિલ્હીના બેટર જેક ફ્રેઝર–મેકગર્ક આઉટને કર્યો હતો. જે પછી ઇમ્પેક્ટ પ્લેયર કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવીને દિલ્હીની સ્થિતિ મજબૂત કરી હતી. જો કે, કરુણ સિવાય દિલ્હીના તમામ બેટર ફ્લોપ સાબિત થયા હતા. કરુણ પછી અભિષેક પોરેલે સૌથી વધુ 25 બોલમાં 33 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો વિપરાજ નિગમ અને કુલદીપ યાદવે મુંબઇની બે–બે વિકેટ ઝડપી હતી.
હાલની આઇપીએલ સિઝનમાં દિલ્હી કેપિટલ્સે સતત ચાર મેચ જીતી હતી અને અત્યાર સુધી અપરાજિત રહી હતી.જો કે, મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને મ્હાત આપીને તેની જીતની લય તોડી છે.