સવારે ૭ વાગ્યે આવનાર ફલાઈટનું ૮:૪૦ વાગ્યે રાજકોટમાં લેન્ડિંગ થયું
રાજકોટમાં આજે સવારે ધુમ્મસની ચાદર છવાઈ જતા મુંબઈની ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. આ ફલાઈટ ધુમ્મસના કારણે અહીં લેન કરી શકે તેમ ન હોય જેથી તેનું અમદાવાદ ઉતરાણ કરી ધુમ્મસ હટયા બાદ રાજકોટ લઈ આવવામાં આવી હતી.
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સવારે ધુમ્મસ જોવા મળી રહી છે. શિયાળાનો પગરવ થઈ રહ્યો હોય વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે પણ આવી જ રીતે ધુમ્મસ છવાઈ હોય સવારે ૭:૦૦ કલાકે મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટને રોકી દેવામાં આવી હતી. આ ફલાઈટનું રાજકોટમાં લેન્ડીંગ રદ કરવામાં આવ્યું હતું અને તેને અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. અમદાવાદ ખાતે આ ફલાઈટનું લેન્ડીંગ કરી રાજકોટમાં ધુમ્મસ હટે તેની રાહ જોવામાં આવી હતી બાદમાં ફરી આ ફલાઈટને અમદાવાદથી ટેકઓફ કરીને રાજકોટ લઈ આવવામાં આવી હતી અને ૮:૪૦ વાગ્યે આ ફલાઈટનું રાજકોટ એરપોર્ટ પર લેન્ડીંગ થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ફલાઈટમાં અંદાજે ૮૦ જેટલા મુસાફરો હતા ધુમ્મસના કારણે ૭ વાગ્યે રાજકોટ પહોંચતી ફલાઈટ ૮:૪૦ વાગ્યે રાજકોટ પહોંચી હતી જેના કારણે મુસાફરો પણ અકળાઈ ઉઠયા હતા. હવે શિયાળો શરૂ થયો હોય હવાઈ મુસાફરીમાં આ પ્રકારનાં વિઘ્નો નડવાનું શરૂ થનાર છે.