વહીવટદારે મગ મગાવી પેમેન્ટ સમયે હાથ ઉંચા કરી લેતા નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટ બેડી યાર્ડમાં વિશ્ર્વનાથ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવતા યુવાન સાથે મુંબઈ સ્થિત ટીશા ઈમ્પેક્ષ નામની પેઢીના વહીવટદારે રૂ. 8.21 લાખની છેતરપીંડી કરતા તેને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપર સર્કલ પાસે આસ્થા એવન્યુમાં રહેતા અને બેડી યાર્ડમાં વિશ્ર્વનાથ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવતા ધર્મેશભાઈ ભવાનભાઈ નસીત ઉ.35એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, છેલ્લા પંદર વર્ષથી તે મુંબઈની પેઢી ટીશા ઈમ્પેક્ષનાં વહીવટદાર કિશોર શંભુ ગોરી સાથે ધંધો કરે છે. જેમાં આરોપીએ ગત તા.26.7.21ના રોજ 10020 કિલો મગ કે જેની કિંમત રૂ. 8.21 લાખ થાય છે;. તે મંગાવ્યા હતા અને હરવખતની જેમ મગ મળે ત્યારે અડધા પૈસા ચેક મારફત અને અડધા પૈસા આરટીજીએસ મારફત ચૂકવવાની વાત કરી હતી.
જેથી તેણે ભાગીદાર અક્ષય સાકરવાડીયા સાથે મગ મોકલાવ્યા હતા ત્યારે કિશોરે રૂ.3.21 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક રીર્ટન થતા તેને આ અંગે વાત કરી હતી અને બાદ આરટીજીએસ પણ આવ્યું ન હતુ જેથી ધર્મેશભાઈએ પૈસા અંગે વાત કરતા કિશોરે હાથ ઉંચા કરી લેતા અંતે તેના વિરૂધ્ધ કુવાડવા પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.