અન્ય ટીમો માટે મુંબઈની આ જીત માથાનો દુખાવો સાબિત થઈ
હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સિઝનમાં ચોથી વખત મુંબઈ એ 200થી વધુ રનનો રનચેઝ કર્યો છે. ત્યારે અન્ય ટીમો માટે પ્રશ્ન એ ઉદભવિત થયો છે કે હવે બાકી રહેતા મુંબઈના મેચમાં મુંબઈને રનચેઝ કરવા દેવું કે કેમ ? કારણ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કયા સમયે એટેક કરવો તે બખૂબી રીતે જાણે છે જે ગત મેચમાં જ સાબિત થઈ ગયું.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ટીમે સ્ટાર ઓપનર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ટીમનો સ્કોર 16 રન થયો હતો ત્યારે અનુજ રાવત આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ મુંબઈના બોલર્સની ચોમેર ધોલાઈ કરી હતી.
ડુપ્લેસિસ અને મેક્સવેલ તોફાની બેટિંગ કરી હતી અને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ જોડીએ 120 રનની ભાગીદારી નોંધાવી હતી. ડુપ્લેસિસે 65 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મેક્સવેલે માત્ર 33 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 68 રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર દિનેશ કાર્તિકે 18 30 રન તથા કેદાર જાધવ અને હસારંગાએ અણનમ 12-12 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે બેહરેનડોર્ફે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સામે 200 રનનો કપરો લક્ષ્યાંક આવ્યો હતો. જોકે, મુંબઈના બેટર્સે શરૂઆતથી જ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા ફક્ત સાત રન નોંધાવીને આઉટ થયો હતો પરંતુ તે સિવાય ઓપનર ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તાબડતોબ બેટિંગ કરી હતી. તેમાં પણ સૂર્યકુમાર યાદવે તેના આગવા અંદાજમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ટીમને ધમાકેદાર વિજય અપાવ્યો હતો. ઈશાન કિશન 21 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 42 રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમનો સ્કોર 52 રન હતો ત્યારે કિશન અને રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા.
જોકે, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તોફાની બેટિંગ કરી હતી અને 140 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. બંને બેટર્સે અડધી સદી ફટકારી હતી. જેમાં નેહલ વાઢેરા અણનમ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી.બેંગલોર તરફથી વાનિન્દુ હસારંગા અને વિજયકુમાર વીશકે બે-બે વિકેટ ઝડપી હતી.