મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એટીએસે વલસાડથી ઝડપેલાં લંબુના ચોંકાવનારા ખુલાસા
૧૯૯૨ – ૯૩ માં મુંબઈમાં થયેલા કોમી રમખાણોમાં મુસ્લિમોના મોતનો બદલો લેવા સીરિયલ બ્લાસ્ટ કરી દાઉદગેંગે લોહીની નદીઓ વહેવડાવ્યા બાદ દુબઈમાં મિજબાની માણી હોવાની ચોંકાવનારી કબૂલાત એટીએસના હાથે વલસાડથી ઝડપાયેલા અહેમદ લંબુએ આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તાજેતરમાં વલસાડથી પકડાયેલા દાઉદ ઈબ્રાહિમના નજીકના સાગરીત લંબુએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લંબુએ એક એવા કિસ્સાનો ઉલ્લેખ કર્યો જ્યારે તે દુબઈમાં દાઉદ ઈબ્રાહિમને મળ્યો ત્યારે દાઉદે તેને કઈ રીતે આરડીએક્સ સપ્લાય કરવા માટે મનાવ્યો હતો. દાઉદને ત્યાં ડિનર પાર્ટી યોજાઈ તેમાં લંબુ વારંવાર મોહમ્મદ ડોસાને સવાલ કરી રહ્યો હતો કે મુંબઈ રમખાણોમાં થયેલ મુસ્લિમોની હત્યાની ઉજવણી કરી રહ્યા છીએ કે પછી શોક?
ગુજરાત એન્ટી ટરરિસ્ટ સ્ક્વોડ (અઝજ)એ તાજેતરમાં જ વલસાડથી લંબુની ધરપકડ કરી લીધી છે. જેણે કહ્યું કે મુંબઈ રમખાણો બાદ જાન્યુઆરી ૧૯૯૩માં મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મળવા માટે લંબુને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. દુબઈ સ્થિત દાઉદના ઘર વ્હાઈટ હાઉસમાં તેને લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. દાઉદે લંબુને બ્લાસ્ટ માટે આરડીએક્સ અને અન્ય દારુગોળાનું સ્મગલિંગ કરવાનો ટાસ્ક આપ્યો હતો. એટીએસ અધિકારીઓએ જણાવ્યું કે દાઉદે જાતે લંબુને આ કામ કરવા માટે મનાવ્યો હતો.
દરમિયાન દાઉદ ઈબ્રાહિમે લંબુને કહ્યું હતું કે લોકો બંગડીઓ મોકલી રહ્યા છે, આપણે કંઈક તો કરવું જ પડશે. જણાવી દઈએ કે લંબુ છેલ્લા ૨૫ વર્ષથી ફરાર હતો અને ગયા મહિને સોનાની હેરાફેરી કરી રહ્યો હતો ત્યારે એટીએસના હાથે ઝડપાઈ ગયો હતો. લંબુએ સપ્લાય કરેલા આરડીએક્સથી જ મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્લાસ્ટમાં કુલ ૨૫૭ લોકો મૃત્યુ પામ્યા હતા.
અઝજના સૂત્રોએ કહ્યું કે લંબુને સીબીઆઈના હવાલે કરવામાં આવ્યો તે પહેલાં કરેલ પૂછપરછમાં લંબુએ ખુલાસો કર્યો કે જાન્યુઆરી ૧૯૯૩માં તે દુબઈ પહોંચ્યો ત્યારે ડોસા તેને પોતાની કારમાં દાઉદના નિવાસ સ્થાને લઈ ગયો હતો. ડોસાએ લંબુને કહ્યું હતું કે, મુસ્લિમોની હત્યાનો બદલો લેવા માટે આપણી પાસે સારું ભોજન હોવું જોઈએ. દાઉદનો જમણો હાથ જાવેદ ચિકનાએ આરડીએક્સના લેન્ડિંગની ખાતરી કરી હતી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૫માં ભરૂચમાં ભાજપના બે અગ્રણી નેતા શીરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના થયેલ ડબલ મર્ડરમાં જાવેદ ચિકનાની પણ સંડોવણી હતી.