મુંબઈમાં થયેલા 26/11 ના હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને પાકિસ્તાનની કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
પાકિસ્તાનના પંજાબની એક અદાલતે આતંકી ભંડોળના બે કેસોની સજા સંભળાવી હતી. મુંબઈની આતંકવાદી ઘટનામાં 166 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ હુમલાએ દેશ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.
આતંકવાદ વિરોધી અદાલતે જમાત ઉદ દાવાના હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી હતી ઉપરાંત કોર્ટે સઈદની સંપત્તિ જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો અને 1.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સઇદના બે સાથીઓ ઝફર ઇકબાલ અને યાહ્યા મુજાહિદને 10.5 વર્ષની જ્યારે અબ્દુલ રહેમાન મક્કીને પણ 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. કાઉન્ટર ટેરરિઝમ વિભાગે જમાત-ઉદ-દાવા વિરુદ્ધ 41 કેસ દાખલ કર્યા છે, જેમાંથી 24 માં નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના અદાલતોમાં બાકી છે. સઇદ સામે ચાર કેસોમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને યુનાઇટેડ સ્ટેટ્સે તેના પર દસ કરોડ યુએસ ડોલરનું ઇનામ મૂક્યું છે. ગત વર્ષે 17 જુલાઈએ આતંકવાદી ભંડોળના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદ વિરોધી અદાલતે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ આતંકવાદ ભંડોળના બે કેસમાં તેને 11 વર્ષની જેલની સજા ફટકારી હતી.