રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન્સ વિભાગની સધન સારવાર બાદ ૧૦ વર્ષના સંજયે આપી કોરોનાને મ્હાત

જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, તેવું આપણે ત્યાં કહેવાય છે અને જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઉક્તિ છે, જે સાચી પડી છે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ૧૦ વર્ષના બાળક સંજય કરસનભાઈ વાઘેલાના કિસ્સામાં.

નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. ૨૯ મે ના રોજ દાખલ કરાયો હતો. કોરોનાના લક્ષણો બાળકોમાં મોટે ભાગે સામાન્ય હોય છે, પરંતુ આ બાળકનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં પ્રથમ હતો. બાળક દાખલ કરવામાં આવ્યું ત્યારે તેને વયસ્ક લોકોમાં જોવા મળતા ફેફસા, કિડની અને હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા. બંને ફેફસામાં ન્યુમોનીયાની અસર સાથે પાણી ભરાઈ ગયું, કેવિટી થઈ ગયેલી, લોહીમાં રસી થઈ ગયેલી, લોહીની ઉલ્ટીઓ થતી, હૃદયના ધબકારા અનિયમિત હોવા, ડાબા પડખામાં (થાપામાં) રસી થઈ ગયેલી, એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી જ્યારેબીજી કિડની પહેલેથી જ કામ કરતી નહોતી, ફેફસામાં લોહીની નળીમાં જામ જેવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક હતું, તેમ ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. પંકજ બુચ જણાવે છે.

અમારા માટે આ કેસ નવો હોઈ સ્ટેટ ટેલિમોનીટરીંગ એક્સપર્ટસના અભિપ્રાય સાથે સારવાર શરુ કરી, બાળકને બાયપેપ પર ૮ દિવસ તેમજ ૧૮ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો. લોહી જામવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા હિપેરીન ટ્રીટમેન્ટ, જરૂર મુજબ સ્ટીરોઈડ સહિતની સઘન સારવાર બાદ કોરોનાને મહાત કરી સંજય તા. ૨૦ જૂનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો. હાલ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું ડો.બુચ ઉમેરે છે.

મજૂરી કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા સંજયના માતા મધુબેન ગદગદિત સ્વરે જણાવે છે કે,આ બધા ડોકટરો અમારા માટે ભગવાન જ છે. તેઓએ ખુબ સારવાર કરી. અમારા સારા નસીબ જોગે મારા દીકરાને ડોક્ટરોએ મહેનત કરી જીવ બચાવ્યો છે. જો કે તેમના બાળકને મલ્ટી ઓર્ગન ફેલ્યોર હોવાનું અને અતિ ગંભીર હોવાની કલ્પના પણ નહોતી.  આજે સંજય જાતે જ જમી લે છે, અને સારી રીતે તમામ ક્રિયાઓ કરી લે છે. આવનારા દિવસોમાં પહેલા જેવો જ સ્વસ્થ બની જશે તેમ જણાવતા તેઓ ડોક્ટરની ટીમને તમામ શ્રેય આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.