- અંદાજે 9 હજાર જેટલા સ્ટાફને ફરજમાં લેવાશે, જેની સામે 19 હજાર સ્ટાફની ડેટા એન્ટ્રી કરાઈ : મોટાભાગની ક્ષતિઓ મોબાઇલ નંબરની
ચુંટણી સ્ટાફની ડેટા એન્ટ્રીમાં અનેક નાની ક્ષતિઓ હોવાનું સામે આવ્યા બાદ તેમાં સુધારાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે થોડા દિવસમાં જ પૂર્ણ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી માટે જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. આ માટે તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંદાજે 9 હજાર જેટલા સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવશે. જેમાં 10 ટકા જેટલો સ્ટાફ રિઝર્વ પણ રાખવામાં આવશે. આ માટે અંદાજે 19 હજાર જેટલા સરકારી કર્મચારીઓનો ડેટા તૈયાર કરી તેની એન્ટ્રી કરવામાં આવી છે.
આ ડેટા એન્ટ્રી ઘણા સમય પૂર્વે જ પૂર્ણ થઈ ગઈ હતી. પણ તેમાં નાની ક્ષતિઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. હાલ તેમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ખાસ કિસ્સામાં દંપતી હોય જેના હુકમ થયા છે તેમાં પતિના ઓર્ડરમાં પત્નીનો નંબર, પત્નીના ઓર્ડરમાં પતિનો મોબાઈલ નંબર નખાઈ ગયો છે. ઘણા કિસ્સામાં કચેરીના લેન્ડલાઈન નંબર નખાય ગયા છે.
પોસ્ટલ બેલેટની બે ને બદલે ત્રણ વાર તાલીમ યોજાશે
પોસ્ટલ બેલેટથી થતા મતદાન અંગેની દર વખતની ચૂંટણીમાં બે વાર તાલીમ યોજવામાં આવે છે. પણ ચૂંટણી પંચની સૂચના અનુસાર આ વખતે પોસ્ટલ બેલેટની તાલીમ બે ને બદલે ત્રણ વાર આપવામાં આવશે. ઉપરાંત છેલ્લી તાલીમ ડીસ્પેચિંગના એક દિવસ પહેલા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા પોસ્ટલ બેલેટની તાલીમ માટે જિલ્લા કલેકટરને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.