પ્રથમ તબકકામાં પસંદ થયેલી દેશના કુલ ૧૧ શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ
રાજયસભામાં પુછાયેલ એક પ્રશ્ર્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવીયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથે જ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ઘ્યાન રાખવામાં આવી રહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા ભારત સરકારે વિવિધ પગલાં લીધેલ છે. જે અંતર્ગત તા.૩૧ ઓકટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહરે કરી દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં આધારીત મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આ અન્વયે દરેક દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરો અને સ્પેશીયલ સ્ટેટમાં રૂ. ૧૦૫ કરોડની મર્યાદામાં ગ્રાન્ટ આપવાની જોગવાઇ કરેલ છે. આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઇલેકીસ્ટ્ર બસ, ઇલેકિટ્રક ફોર વ્હીલ ટેકસી અને ઇલેકટ્રીક થ્રી વ્હીલર દ્વારા પુરી પાડવામાં આવશે.
ભારત સરકારના મંત્રાલયને જુદા જુદા ર૧ જેટલા રાજયોમાંથી ૪૪ શહેરોને સમાવતી ૪૭ દરખાસ્તો મળી છે જેના દ્વારા ૩,૧૪૪ ઇ.બસ, ૨,૪૩૦ એ-ફોર વ્હીલ ટેક્ષી અને ર૧,૫૪૫ ઇ-રીક્ષાની જરુરીયાત સામે આવેલ છે. દરખાસ્તની ચકાસણી કરી જુદા જુદા ૧૧ શહેરી દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, જયપુર, મુંબઇ, લખનૌ, હૈદરાબાદ, ઇન્દોર, કોલકતા, જમ્મુ, ગુવાહાટીની પસંદગી કરવામાં આવેલ છે. પસંદ થયેલા શહેરોમાં વાહનોઓને ચાર્જીગ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર પુરું પાડવા રૂ. ૧૫ કરોડની મર્યાદામાં ફંડ આપવાનું પણ નકકી કરેલ છે.
દેશમાં પ્રદુષણ ઘટે અને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે દિશામાં ભારત સરકારનું માર્ગ પરીવહન મંત્રાલય સક્રિય હોવાનું પણ મંત્રી મનસુખ માંડવીયા એ જણાવેલ હતું.