છોટા ઉદેપુરના સાથી મજૂરે કામ કરવા મુદ્દે બોલાચાલી કરી એમ.પીના શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યા
હળવદ અને મૂળી તાલુકાની વચ્ચે આવેલ રામપર ગામની સીમમાં વાડીએ બે ખેતમજૂર વચ્ચે કામ કરવાના મુદ્દે બોલાચાલી થતાં છોટા ઉદેપુરના શ્રમિકે એમ.પીના પ્રોઢની ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તે હોસ્પિટલે દોડી ગયા હતા અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આરોપીને સકાંજમાં લીધા હોવાની માહિતી મળી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળી તાલુકાના રામપર ગામની સીમમાં ગત રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ હળવદના સુંદરી ભવાની ગામના જીલુભાઈ મશરૂભાઈ સોલંકીની વાડીએ મજૂરી કામ કરતા છોટા ઉદેપુરના ખેતમજૂર વિઠ્ઠલ કાનજીભાઈ તડવી મધ્યપ્રદેશના બદરીનાથ ઉર્ફે ઉસ્તાદ ફુલસિંગ સોલંકી (ઉ.45) વચ્ચે કામને લઈ બોલાચાલી થઈ હતી. જોકે બદ્રીનાથ ઉર્ફે ઉસ્તાદે વિઠ્ઠલભાઈને ગાળો દેતા બોલાચાલી વધુ ઉગ્ર બની હતી. જેથી શ્રમિક વિઠ્ઠલે બદ્રીનાથને ધારિયા વડે માથાના ભાગે તથા મોઢાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.આ બનાવમાં વાડીમાલિક જીલુભાઈ સોલંકીએ મુળી પોલીસ મથકે આરોપી વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તડવી (રહે. ખેતમજૂરની છોટાઉદેપુર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકને મોઢાના તેમજ માથાના ભાગે ગંભીર ઘા ઝીંકાયા હોય જેના કારણે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.