ચાર શખ્સોએ કાર પાછળ દોડાવી ધોકા મારી ઢીમઢાળી દીધું
મહેસાણાના વિસનગરના ગોઠવા ગામની યુવતીને ભગાડી મુળી તાલુકાના ગઢડા ગામે છુપાવ્યાની શંકા સાથે તપાસ અર્થે આવેલા યુવતીના કુટુંબીઓ પર ચાર શખ્સોએ કાર દોડાવી ભગાડ્યા બાદ કુટુંબી ભાઇના માથામાં ધોકા મારી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસનગરના ગોઠવા ગામના ભાવેશજી ઠાકોર પર મુળીના ગઢડા ગામે રાહુલ ઠાકોર, દીલા ભરવાડ, સુનિલ અને નાગજીભાઇ ભરવાડે લાકડાના ધોકા માથામાં મારી હત્યા કર્યાની ગોઠવા ગામના રણજીત દિવાનજી ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક ભાવેશજી ઠાકોરની કુટૂુંબી બહેન મનિષાને નવેક દિવસ પહેલાં નાગજી ભરવાડ ભગાડીને મુળી નજીક ગઢડા ગામે લાવી છુપાવી હોવાની માહિતીના આધારે રણજીત ઠાકોર, વિષ્ણું ઠાકોર, રાજેશજી ઠાકોર અને ભાવેશજી મનિષાબેનની શોધખોળ કરવા ગઢડા ગામે આવ્યા હતા. રેતીના ચારણે શોધખોળ કરી રહ્યા હતા ત્યાં એક ઓરડીમાં મનિષા જોવા મળતા તેણીને પોતાની સાથે તેડી જવા સમજાવતા હતા ત્યારે મનિષાબેને બુમાબુમ કરતા રાહુલ ઠાકોર, દિલા ભરવાડ, સુનિલ અને નાગજી ભરવાડ ધોકા લઇને ત્યાં આવી જતા બધા ત્યાંથી ભાગી ગયા હતા.
ચારેય શખ્સો ભાગતા તેની પાછળ કાર દોડાવી હતી આથી રણજીત ઠાકોર અને તેના કુટુંબી ભાવેશજી ઠાકોર ની પાછળ જઇને ધોકાથી હુમલો કરતા ભાવેશજી ગંભીર રીતે ઘવાતા તે ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો અને રણજીતજી ઠાકોર સહિતના ભાગી ગયા બાદ બીજા દિવસે ઘટના સ્થળે જઇને તપાસ કરતા ભાવેશજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યા અંગેનુ ફરિયાદમાં જણાવ્યું છે.પી.એસ.આઇ. એમ.ડી. ચુડાસમા સહિતના સ્ટાફે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.