ઓપરેટર તરીકે છુટા કરવાનો ખાર રાખી સીસી ટીવી કેમેરામાં તોડફોડ કરી
મૂળી સરપંચ, પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી મૂળીમાં કાયદાનો કોઇને ડર જ ન હોય તેમ બે યુવકોએ પંચાયતે નાંખેલા સીસી ટીવી કેમેરા અને તપાસમાં ગયેલી પોલીસની પી સીઆરવાનમાં તોડફોડ કરી હતી.જ્યારે સરપંચ અને પોલીસ સ્ટાફને મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળી તાલુકામાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય તેમ છાશ વારે મારામારી, દારૂ, સહિતનાં કેસો સામે આવે છે. ત્યારે સામાન્ય પ્રજાતો ઠીક પોલીસ પણ સુરક્ષિત ન હોવાનો ધાટ સર્જાયો છે.અને પોલીસની કાર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મૂળી પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૂળીનાં લીમલી પા વિસ્તારમાં રહેતા મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર થોડા સમય પહેલા મૂળી ગ્રામપંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. કોઇ કારણે સરપંચ લક્ષમણસિંહ પરમાર દ્રારા તેમને નોકરીમાંથી છુટા કરાતા તે બાબતનું દુ:ખ રાખી મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર અને હરદેવસિંહ જટુભા પરમાર ગ્રામપંચાયતે તાજેતરમાં હજારો રૂપિયાનાં ખર્ચે ગામની સુરક્ષા માટે નાંખવામાં આવેલ સીસીટીવી પાંચ કેમેરા તોડી નુકશાન કરી સરપંચ લક્ષમણસિંહને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી.
આ અંગે મૂળી પોલીસને જાણ કરાતા સ્ટાફનાં મહોબતસિંહ ગોહિલ, રાયસંગભાઇ સહિતનાં સ્વામિનારાયણ મંદિર સામે પીસીઆર કાર લઇ ગયા હતા. જ્યાં કેમરા તોડનાર મેહુલસિંહ અને હરદેવસિંહ હતા અને મહોબતસિંહને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી કારનાં કાચ તોડી નુકશાન કરાતા બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.