ઝાલાવડ પંથકમાં મોટાપાયે પશુઓની તસ્કરી કરી અને કત્લખાને ધકેલવામાં આવતા હોવાની ઉઠેલી ફરિયાદોથી જીવદયાપ્રેમીઓ પોલીસને સાથે પશુઓને કત્લખાને જતા બચાવી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે. મુળી નજીક ખીચોંખીચ ભરેલા પશુઓના પાંચ ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાં ક્રૂરતા પૂર્વક ભરેલા 15 પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પશુઓને ધ્રાંગધ્રા પંથકની ગૌ શાળામાં ધકેલવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ તરફથી પાંચ આઈસરમાં ગાયો અને વાછરડાઓને ભરીને મૂળી તાલુકાના રાણીપાટ તરફ લાવવામાં આવી રહ્યા હતા. જે અંગે બાતમી મળતાં ગૌરક્ષકોએ આઈસર ચાલકોને અટકાવ્યા. અને આઈસરમાં તપાસ કરતાં તેમાં ખીચોખીચ ગાયો અને વાછરડા ભરેલા હતા. ગૌરક્ષકોને જોતાં જ આઈસર મૂકીને ચાલકો ફરાર થઈ ગયા. પાંચેય આઈસરમાં 115 જેટલા ગાયો અને વાછરડા મળી આવ્યા છે.

માલવણ વિસ્તારના રેઢીયાળ ગાયોને ભરીને ચોટીલા પાંજરાપોળ મુકવા આવતા હોવાની કેફીયત

115 ગૌ વંશને ધ્રાંગધ્રાની પીપરાડા પાંજરાપોળમાં મુકાયા: ટ્રકના પાંચ ચાલક સામે નોંધાતો ગુનો

જે પૈકી 15 જેટલી ગાયો અને વાછરડાઓનું મૃત્યુ થયું છે. ઘટના અંગે જાણ થતાં ગૌરક્ષકો રાણીપાટ પહોંચ્યા હતા. મૃત ગાયો અને વાછરડાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી ગૌરક્ષકોની માગ છે. સમગ્ર મામલે એવી હકીકત સામે આવી છે કે માલવણ ગામમાં રખડતી ગાયો અને વાછરડાઓની રંજાડને કારણે તેમને આઈસરમાં ભરીને ચોટીલા પાંજરાપોળ લાવવામાં આવી રહ્યા હતા.

અને આ માટેનો માલવણના તલાટીની સહી સાથેનો પત્ર પણ આઈસરચાલકોને પોલીસ સમક્ષ રજૂ કર્યો છે. જો કે બીજી તરફ ચોટીલા પાંજરાપોળના સંચાલકનું કહેવું છે કે તેમની પાંજરાપોળમાં આટલા પશુ રાખવાની જગ્યા જ નથી. તો પછી તલાટી તેમને પૂછ્યા વગર કઈ રીતે આવો પત્ર આપી શકે. પકડાયેલી ગાયો અને વાછરડાઓને ધ્રાંગધ્રાની પીપરાડા પાંજરાપોળમાં લઈ જવાયા છે અને અન્ય ગંભીર હાલતમાં રહેલી ગાયો અને વાછરડાઓની સારવાર કરવામાં આવી રહી છે.

મુળી પોલીસે મોરબીના ગૌ રક્ષક કમલેશભાઇ ભગવાનભાઇ રૂંજાની ફરિયાદ પરથી રાજાસીતાપુરના સુનિલ રમેશ દેત્રોજા, નવલગઢના મહેશ દેવકરણ ગોહેલ, વાવડીના લક્ષ્મણ જગા પરમાર, કલ્પેશ નાગર ધામેચા અને મોટી માલવણના ભાવેશ લક્ષ્મણ સોલંકી નામના ટ્રક ચાલક સામે પશુ ઘાતકીપણા અંગેનો ગુનો નોંધી અટકાયત કરી પાંચ ટ્રક કબ્જે કરવામાં આવ્યા છે.

પાંચેય શખ્સોએ પોતાની પાસે તલાટી મંત્રી દ્વારા દાખલો આપવામાં આવ્યો હોવાની અને રેઢીયાળ ગાયો-વાછરડાને ચોટીલા પાંજરાપોળ પાસે મુકવા જતા હોવાની કબૂલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.