લાકડાના અભાવે અંતિમવિધિ માટે જોરાવરનગર સુધી જવુ પડે છે

 

અબતક

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

થોડા વર્ષો પહેલા સુરેન્દ્રનગરમાં જુના સ્મશાન ગૃહની જગ્યાએ શહેરના અગ્રણીઓ દ્વારા દાતાઓના સહકારથી અદ્યતન સ્મશાનગૃહનું નિર્માણ કરવામાં આવેલ હતું.! જેમાં લાકડાનો ઉપયોગ ઘટાડવા માટે અગ્ની દાહ આપવા ઈલકેટ્રોનીક ભઠ્ઠી બનાવવામાં આવી હતી. અંતિમ ક્રિયામાં જતા લોકોને બેસવા માટે મોટા ટોડ બનાવાયા હતા. ધાર્મીક વાંચન માટેનો રૂમ બનાવવામાં આવેલ હતો. નવા સ્મશાનના નિર્માણ બાદ તેનું સંચાલન સુરેન્દ્રનગર નગરપાલીકાને સોંપવામાં આવેલ હતું. નગરપાલીકાના તંત્રવાહકોએ બેદરકારી દાખવતા યોગ્ય સંભાળ અને મેન્ટેઈનન્સના અભાવે આજે સ્મશાનની ઈલેકટ્રીક ભઠ્ઠી બંધ થઈ ગઈ છે! મૃત દેહોને અગ્નીદાહ આપવા માટે લાકડાની પણ પૂરતી વ્યવસ્થા નથી.

ગઈકાલે આ સ્મશાનગૃહમાં એક વ્યકિતના અંતિમવિધી માટે આવેલા લોકોને અગ્ની દાહ માટે લાકડા ન હોવાથી છેક જોરાવરનગર સ્મશાને જવું પડયુ હોવાનું જાણવા મળે છે. આવું અવાર – નવાર બનતું હોવાનું જાણવા મળે છે. સ્મશાનમાં અંતિમિવધી બાદ નહાવા માટે મીઠા પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું લોકો જણાવે છે.

શહેરના સેવાભાવી આગેવાનો દ્વારા દાતાઓના સહકારથી બનાવેલ અદ્યતન સ્મશાનગૃહની નગરપાલીકાના સંચાલનમાં દુર્દશા થઈ જતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામેલ છે. ધારાસભ્ય, નગરપાલીકા પ્રમુખ વહેલીતકે સ્મશાનમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લાગણી અને માંગણી છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલીકા સંચાલીત શહેરના સ્મશાનગૃહમાં મૃતકોના અગ્નિદાહ માટે લાકડાની વ્યવસ્થા નથી. લાખ્ખો ના ખર્ચે બનેલી ભઠ્ઠીઓ બંધ હાલતમાં છે. અંતિમ વિધિ માટે આવતા લોકોને પારાવાર હાલકીનો સામનો કરવો પડતો હોવાથી રોષની લાગણી ફેલાઈ છે. લોકો આ અવ્યવસ્થાને નગરપાલીકાના તંત્રવાહકો માટે શરમજનક ગણાવી રહયા છે.

આ અંગે શહેરીજનોમાંથી ઉઠતી ફરીયાદ એવા પ્રકારની છે કે, સુરેન્દ્રનગરના સ્મશાનગૃહમાં કોરોના કાળમાં અનેક મૃતકોની અંતિમવિધી થતા ઈલેકટ્રોનીક ભઠ્ઠી બંધ થઈ ગઈ છે. રીપેરીંગનો ખર્ચ ઘણો મોટો આવે તેમ હોવાથી સમારકામ કરાવવામાં આવેલ નથી. નવી ભઠ્ઠી બનાવવાનું આયોજન પણ હાથ ધરાયેલ નથી. મૃતકોને લાકડાથી અગ્નિદાહ આપવાસિવાય બીજો કોઈ વિકલ્પ નથી.. ત્યારે સ્મશાનમાં હાલ લાકડાની પણ વ્યવસ્થા ન હોવાનું જાણવા

મળે છે. શહેરીજનો કહે છે કે, સ્વજનોની અંતિમવિધી માટે જતા લોકોને પાંચ મણ લાકડા સાથે લઈને જવું પડે છે. આથી પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું લોકો કહે છે. લોકો એમ પણ કહે છે કે, કોરોનાકાળમાં મૃતકોને અગ્નિદાહ આપવાના રૂા. 2200 જેટલો ચાર્જ વસુલવામાં આવેલ છે. આ રીતે લાખ્ખો રૂા.ની રકમ એકત્ર કરાયેલ છે. છતાં નગરપાલીકાના તંત્રવાહકો સ્મશાનમાં લાકડાની વ્યવસ્થા કરી શકયા નથી. શહેરીજનો એવું પણ કહે છે કે, કૃષ્ણનગર સ્મશાનમાં નવી ભઠ્ઠી બનાવવાનો સામાન પેકેપેક છે. આ ભઠ્ઠી વહેલીતકે બનાવીને ચાલુ કરાય તો પણ લોકોને રાહત થાય તેમ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર સ્મશાનમાં અંતિમવિધી માટે જતા લોકોને નહાવા માટે મીઠાપાણીની પણ વ્યવસ્થા નથી. નગરપાલીકાના તંત્રવાહકો શહેરના મુખ્ય સ્મશાનમાં અંતિમવિધી માટે લાકડાની વહેલીતકે વ્યવસ્થા કરે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.