સૌરાષ્ટ્રમાં 15 જૂન બાદ ચોમાસાનું આગમન થતું હોય છે પણ આ વર્ષે 10 જૂન પૂર્વે જ ચોમાસુ શરૂ થાય તેવી શકયતા

મુકો લાપસીના આંધણ… કારણકે ભીમ અગિયારસે વાવણીનું શુકન સચવાઈ જવાનું છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાનું આગમન થતું હોય છે. પણ આ વર્ષે 10 જૂન પૂર્વે જ ચોમાસુ શરૂ થઈ જાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભારતમાં ખેતીપ્રધાન દેશ છે. અહીં મોટાભાગના ખેડૂતો ખેતી પર નિર્ભર છે, જેણા કારણે તેમના માટે વરસાદ ખૂબ જ અગત્યનું પાસું બની જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે જલ્દી દસ્તક આપે તેવા એંધાણ આપ્યા છે.
દેશભરમાં અત્યારે ગરમીનો પારો નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ‘ઠંડક’ના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે નૈઋત્યનું ચોમાસુ ૨૭ મેના રોજ એટલે કે પાંચ દિવસ અગાઉ કેરળમાં પહોંચવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરલમાં પહેલી જૂને ચોમાસાનો વરસાદ થતો હોય છે.
કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆતને પગલે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલું બેસે તેવી શકયતા છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં 15 જૂન બાદ ચોમાસુ શરૂ થતું હોય છે. પણ હવે 10 જૂને એટલે કે ભીમ અગિયારસ પહેલા સૌરાષ્ટ્રમાં ચોમાસુ દસ્તક દઈ દયે તેવા અણસાર મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકો અને ખાસ કરીને ખેડૂતો ચોમાસાની કાગડોળે રાહ જુએ છે. કારણ કે દેશની મોટા ભાગની ખેતી હજુ ચોમાસુ વરસાદ પર નિર્ભર છે. એટલે અર્થતંત્ર માટે નૈઋત્યનો વરસાદ ઘણો મહત્વનો છે. ઇન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટએ શુક્રવારે જણાવ્યું હતું કે, “ચાલુ વર્ષે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ દર વર્ષ કરતાં વહેલું પહોંચે તેવી શક્યતા છે. ચાર દિવસની વધઘટની શક્યતા સાથે કેરળમાં ૨૭ મેના રોજ ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ શકે. પ્રારંભિક તબક્કે ચોમાસુ વરસાદ દક્ષિણ અંદામાન સાગર પર થાય છે. ત્યાર પછી ચોમાસાના પવનો બંગાળની ખાડી પરથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે.
સામાન્ય રીતે દર વર્ષે ૨૨ મેની આસપાસ ચોમાસુ અંદામાન સાગર પરથી આગળ વધતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર “વિષુવવૃત્તીય પવનોનું જોર વધવાથી નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ અંદામાન સાગર, નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગ તરફ આગળ વધવાની શક્યતા પ્રબળ બની છે.” હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અગાઉના ડેટા પ્રમાણે અંદામાન સાગર પરથી ચોમાસાની પ્રગતિની તારીખને કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ અથવા દેશના ચોમાસુ વરસાદના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી.
27 મેએ કેરળમાં ચોમાસુ દસ્તક દયે તેવી સંભાવના
w748ihywrsgv 202205820631
કેરળમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનથી થાય છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “આ વર્ષે દક્ષિણ પૂર્વ ચોમાસાનું કેરળમાં આગમન નિર્ધારિત સમય કરતા પહેલા શકે છે. ચોમાસું 27 મેના રોજ કેરળમાં દસ્તક આપે તેવી શક્યતા છે અને આ તારીખમાં ચાર દિવસ આગળ પાછળની સંભાવના છે.
આંદામાન- નિકોબરમાં 15મેએ શરૂ થશે ચોમાસુ
આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યાંથી આગળ વધીને તે કેરળ સુધી પહોંચે છે. દેશમાં કેરળમાં વરસાદ શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત ગણાય છે. હવે હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશમાં ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું 15 મેની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે. એટલે કે ચોમાસું તેના સમય કરતાં એક અઠવાડિયું વહેલું પહોંચે તેવી શક્યતા છે.
ચોમાસુ વહેલું આવવા પાછળ અસાની કારણભૂત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. હવામાન શાસ્ત્રીઓના મતે કેરળમાં ચોમાસાના વહેલા આગમન પાછળ ચક્રવાત અસાનીની અસર છે. તેના કારણે ચોમાસુ દેશભરમાં વહેલું આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.