- ઘટનાને પગલે ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને થોરાળા પોલીસ દોડી ગઈ
- સાગર મનસુખ મકવાણાને ગોંડલથી દબોચી લેતી એલસીબી ઝોન-1 ટીમ
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આજી ડેમ નજીક અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીના પ્રેમીએ હત્યા કરી નાસી જતા ક્રાઇમ બ્રાંચ, થોરાળા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હત્યારા સાગર મનસુખ મકવાણાની ધરપકડ કરી લીધાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જાણાવ્યા મુજબ આજી ડેમ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતો અને મૂળ જેતપુરના પેઢલા ગામના મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી (ઉ.40) રાત્રીના ફૂટપાથ પાસે હતો ત્યારે માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. બનાવની જાણ થતા ડીસીપી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ ડામોર, થોરાળા પીઆઇ વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતા અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હોવાનું તેમજ કેટલાક સમયથી કંઇ કામ કરતો ન હોવાનું અને તેની પત્નીને કોઇ રિક્ષાચાલક સાગર સાથે પ્રેમસંબંધ હોય અને યુવકની પત્નીને સાગર નામનો શખ્સ ભગાડી ગયો હોય જે બાબતે ડખો થતાં સાગર અને તેના મિત્ર સંજયે યુવકનું ઢીમઢાળી દીધું હોવાનું બહાર આવતા પોલીસે બાતમીના આધારે ગોંડલ પાસેથી સાગરને ઝડપી લીધા હતા.
હત્યાના બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરતા એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી બોરીસાગરની ટીમને હત્યારાનું પગેરું ગોંડલ તરફ મળી આવતા તાત્કાલિક પોલીસની ટીમો ગોંડલ દોડી ગઈ હતી અને વોચ ગોઠવી હત્યારા સાગર મનસુખ મકવાણાને ઉઠાવી લીધો હતો. હત્યારો ભાડાની રીક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું છે.