વડાપ્રધાનની જાહેર સભામાં ચિક્કાર મેદનીથી પ્રદેશના આગેવાનોમાં પણ રાજીપો: માઇક્રો પ્લાનિંગ કામ કરી ગયું
સંગઠનના પૂર્વ હોદ્ેદારો, કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ, સંઘના આગેવાનો, ભાજપની ભગીની સંસ્થાના હોદ્ેદારોને યાદ કરીને આમંત્રણ મોકલી બોલાવાયા: ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જનમેદની નિહાળી ખુશાલી વ્યક્ત કરી
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઇ દોશી નવી જવાબદારીની પ્રથમ પરીક્ષામાં જ 100 ગુણ સાથે પાસ થયા છે. ટૂંકા ગાળામાં તેઓની સંગઠનલક્ષી કામગીરીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ ખુશખુશાલ થઇ ગયા છે. ગઇકાલે રાજકોટમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભામાં ચિક્કાર માનવ મેદની ઉમટી પડી હતી. જેનાથી પ્રદેશ પ્રમુખ સાથે પ્રદેશના તમામ આગેવાનોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.
પીએમનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધીનું કરવામાં આવેલું માઇક્રો પ્લાનિંગ રંગ લાવ્યું છે. ઘણા સમય પછી આવી ચિક્કાર મેદની સાથે કોઇ નેતાની રાજકોટમાં સભા યોજાઇ હોય તેવું બન્યું છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મુકેશભાઇ દોશીને સોંપવામાં આવી છે. પ્રમુખ બન્યાંના બે માસના ટૂંકા ગાળામાં તેઓ પર વડાપ્રધાનની જાહેર સભાને સફળ બનાવવાની જવાબદારી આવી પડી હતી. જેમાં તેઓ 100 ટકા માર્ક્સ સાથે ઉર્તિણ થયા હોવાનું કહેવામાં આવે તો પણ જરાપણ અતિશિયોક્તિ નથી.
કારણ કે પીએમની ગઇકાલની સભામાં એટલી માનવ મેદની ઉમટી પડી હતી કે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ વાતની નોંધ લીધી હતી અને સ્ટેજ પરથી સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે જાહેર રજાનો દિવસ ન હોય, બપોરનો સમય હોય અને રાજકોટમાં જાહેર સભા હોય અને આટલી મેદની ઉમટે તે ખરેખર રેકોર્ડબ્રેક કહી શકાય. રાજકોટે રાજકોટનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પીએમની સભાને સફળ બનાવવા માટે શહેર ભાજપની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સી.આર.પાટીલ પણ ખૂબ ખુશખુશાલ થઇ ગયા હતા. પીએમનો રાજકોટ કાર્યક્રમ નક્કી થતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
સભા પૂર્ણ ન થાય ત્યાં સુધીનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તબક્કાવાર બેઠક યોજવામાં આવી હતી. શહેરની અલગ-અલગ સેવાકીય સંસ્થાઓ અને વિવિધ સમાજના આગેવાનો સાથે પણ સતત બેઠકો યોજવામાં આવી હતી. દરેક વોર્ડમાંથી મેદની ઉમટી પડે તે માટે વોર્ડના કાર્યકર્તાઓએ પણ કાળી મજૂરી કરી હતી. અલગ-અલગ તમામ મોરચા અને સેલની સક્રિયતાના કારણે સભા ખરેખર રેકોર્ડબ્રેક બની ગઇ હતી. તમામ ધાર્મિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સમાજના શ્રેષ્ઠીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્ેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતની ભેટ આપવા માટે આવી રહેલા વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર આપવા માટે ભાજપના કાર્યકરો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યા હતા. આટલું જ નહિં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ અંગત રસ લઇ સંગઠનના તમામ પૂર્વ હોદ્ેદારો, કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કોર્પોરેટરો, સંઘના આગેવાનો અને ભાજપની ભગીની સંસ્થાના હોદ્ેદારોને યાદ કરી તેઓને પીએમ સભામાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તમામનું માન-સન્માન જળવાઇ રહે તેવા પણ સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રદેશના આગેવાનો પણ સતત સક્રિય હતા. આ બધું કરવાના કારણે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે અને ભૂતકાળમાં ક્યારેય ન થઇ હોય તેવી વડાપ્રધાનની જાહેર સભા રહી હતી. પ્રથમ પરીક્ષામાં જ મુકેશ દોશી 100 ટકા માર્ક્સ સાથે પાસ થયા છે. તેઓ પર અભિનંદનવર્ષા થઇ રહી છે.