DSC 0346સંગઠનને મજબૂત બનાવવાના અડીખમ સંકલ્પ સાથે

પૂજા-અર્ચના અને વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિસભર વાતાવરણમાં શહેર ભાજપની ધૂરા સંભાળતા નવ નિયુક્ત પ્રમુખ: જનસંઘથી લઇ યુવા પેઢીના કાર્યકર્તાઓ મુકેશ દોશીને ફૂલડે વધાવવા ઉમટી પડ્યા

લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને તોતીંગ લીડ સાથે વિજેતા બનાવવાનો મુખ્ય લક્ષ્યાંક, કાર્યકરોને પુરજોશમાં કામે લાગી જવા પ્રમુખ મુકેશ દોશીની હાંકલ

જનસંઘથી ભાજપના ગઢ રહેલા રાજકોટ શહેરના ભાજપના 13માં પ્રમુખ તરીકે આજે મુકેશભાઇ દોશીએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ગણતરીની કલાકોમાં તેઓએ કાર્યકરોને ચૂંટણી માટે તન-મનથી કામે લાગી જવાની હાંકલ કરી હતી. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તોતીંગ લીડ સાથે વિજેતા બને તેવો પોતાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. આગામી સપ્તાહે નવ નિયુક્ત પ્રમુખ દ્વારા શહેર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરી દેવામાં આવશે. શિક્ષણ સમિતિ અને સંગઠન માળખાની રચના કરવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નવ નિયુક્ત પ્રમુખને હોંશભેર ફૂલડે વધાવવા માટે આજે જનસંઘથી લઇ યુવા પેઢી સુધીના ભાજપના કાર્યકરોનો જનશૈલાબ કમલમ્ ખાતે ઉમટી પડ્યો હતો.

પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઈ દોશીની વરણી કરવામાં આવી છે ત્યારે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પૂજન- અર્ચન અને વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિસભર વાતાવરણમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઈ દોશીએ વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.આ તકે સંતો-મહંતોએ મુકેશભાઈ દોશીને આર્શિવચન પાઠવ્યા હતા. તેમજ કમલમ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, જનસંઘથી લઈ યુવા પેઢીના તમામ કાર્યર્ક્તાઓ, સામાજીક સેવાકીય, શૈક્ષ્ાણીક સંસ્થાના આગેવાનો, શુભેચ્છકો, સમર્થકો સહીતના ધ્વારા મુકેશભાઈ દોશીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે ડી.જે- શરણાઈ, દેશભક્તિના ગીતો, અને ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

Screenshot 6 17

આ તકે મુકેશભાઈ દોશીએ જણાવેલ કે પાર્ટી તરફથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યર્ક્તાઓ માટે સતા હંમેશા સેવાનું માધ્યમ રહયુ છે, ભારતીય જનતા પાર્ટી એ કાર્યર્ક્તા આધારીત પાર્ટી છે. ત્યારે આવનારા સમયમાં સૌ કાર્યર્ક્તાઓને સાથે રાખી ભાજપનું સ્રગઠન મજબુત બનાવશુ અને આજના શુભ દિવસે આગામી વર્ષે લોક્સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં રાજકોટમાં ભાજપને ભવ્ય લીડ મળે એ જ આજનો દિવસનો સંકલ્પ છે.

આ તકે  શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઈ દોશીને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા,સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી ઉર્વશીબેન પંડયા પૂર્વ પ્રમુખ ગોવીંદભાઈપ પટેલ, કમલેશભાઈ જોશીપુરા, નિતીન ભારધ્વાજ, કમલેશ મિરાણી, લાખાભાઈ સાગઠીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, હરીભાઈ પટેલ, સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર જીવનની ફુલવાડીનું મધમધતું ફૂલ એટલે મુકેશભાઈ દોશી

સેવાનો પર્યાય, નાના માણસોનો મોટો વિશ્વાસ, મોટા માણસોનો ભરોસો, નખશિખ પ્રામાણિક અને સતત કાર્યરત વ્યક્તિ

જસદણ તાલુકાના નાના એવા ભાડલા ગામના મૂળ વતની અને નોકરિયાત પરિવારમાંથી આવતા મુકેશ દોશીએ પોતાની આવડત, કુનેહ, લાગણીશીલ સ્વભાવ તેમજ ઘસાઈને ઉજળા થવાની ભાવનાને લીધે રાજકોટ જાહેરજીવન, સમાજજીવન, સેવાક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરેલ છે. માનવતા જેના લોહીમાં વહે છે. તેવા મુકેશભાઈ દોશી માત્ર દોશી પરિવાર જ નહીં રાજકોટ શહેરનું ગૌરવ છે, રાજકોટ રત્ન છે.

શિશુ વયથી જ સંઘના સ્વયંસેવક હોવાના નાતે રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હોય રાજકીય ક્ષેત્રમાં ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઈને નાની મોટી અનેક જવાબદારીઓ સંભળી તેમજ લોકલડતો-યાત્રાઓમાં ભાગ લીધો. શહેર ભાજપ મંત્રી, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સફળ કામગીરી બજાવનાર મુકેશભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશન; વિધાનસભાથી લઈને લોકસભાની ચૂંટણીમાં સક્રિય કામગીરી બજાવેલ છે.

Screenshot 5 25

કોઈના દુખે દુ:ખી, કોઈના સુખે સુખી, પારકી છઠ્ઠીના જાગતલ, પરગજજુ પ્રવૃત્તિના પ્રાણ અને દીન દુ:ખીયાઓને જોઈને જેમનું હૃદય હંમેશા દ્રવી ઉઠે છે એવા અતિ સંવેદનશીલ મુકેશભાઈ યુવાનોના રાહબર તરીકે યંગ સ્ટાર ક્લબ ઓફ રાજકોટ સંચાલિત બ્લડ બેંક, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા, વિવેકાનંદ યુથ ક્લબ, સાહિત્ય સેતુ, એન.જી.ઓ. ફેડરેશન, માતૃભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ, નિધિ ક્રેડિટ સોસાયટી, રક્તદાન-ચક્ષુદાન-દેહદાન, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ, કોટેચા ગર્લ્સ સ્કૂલ ટ્રસ્ટ, અને ગારડી કોલેજ જેવી  શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજિંગ ટ્રસ્ટી; ભાડલા હવેલી સહિતની સંસ્થાઓના સુકાની તરીકેની જવાબદારી  સંભાળે છે.

યંગ સ્ટાર બ્લડ બેંકના માધ્યમથી “વન ફેમિલી વન ડોનર” સૂત્ર વહેતુ કર્યું અસંખ્ય રક્તદાન શિબિરો યોજીને હજારો લોકોને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા.

શ્રવણરૂપી દીકરા બનીને ધરતીપુત્રના ગામ રાજકોટ નજીકના રાજકોટ નજીકના ઢોલરા ગામમાં પરિવારથી તરછોડાયેલા નિરાધાર માવતરો માટે અદ્યતન દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના કરીને માવતારોના આશીર્વાદ મેળવી રહ્યા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આજે દેશ-વિદેશમાં જાણીતું બન્યું છે.

રાજકોટની એક સમયની શ્રેષ્ઠ ગણાતી 117 વર્ષ જૂની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ અને કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળીને ખૂબ જ ટૂંકા ગાળામાં બન્ને શાળાઓની કાયા પલટ કરી છાત્રોનો સર્વાંગી વિકાસ થાય, સારું અને સુવિધાયુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસો કર્યા જેમાં સફળતા પણ મળી.

હંમેશા કાંઈક નોખું અનોખું કરવા માટે ટેવાયેલા અને જે કામ હાથ પર લે તેની નાની બાબતોની ચિંતા કરે એવા તેવા સ્વભાવના મુકેશભાઈએ સતત ચાર વર્ષથી યોજાતા  માં-બાપ વગરની 22 બાવીસ દીકરીઓના જાજરમાન સમૂહલગ્નનું ન ભૂતો ન ભવિષ્યતિ જેવું શાનદાર અયોજન કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે.

Screenshot 7 11

ભારત ભામાશા, જાણીતા દાનવીર પૂ. દીપચાંદભાઈ ગારડી સાથે અત્યંત નિકટનો નાતો ધરાવતા ઉત્સાહી, તરવારીયા અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવતા મુકેશભાઈ ઉપર ગારડી સાહેબ માનસપુત્ર સમી લાગણી અને વિશ્વાસ રાખતા. પૂ. ગારડી સાહેબ પાસેથી પોતે જે સંસ્થાઓનું સંચાલન કરતા હોય તેના માટે તો દાન લઈ આવતા પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની અનેક સંસ્થાઓમાં કરોડો રૂપિયાનું દાન મેળવી આપવામાં સહર્ષ નિમિત્ત બન્યા છે.

જાહેર જીવનમાં અત્યંત વ્યસ્ત રહેવા છતાં પરિવારથી ક્યારેય વિમુખ થયેલ નથી. પરિવારમાં પોતે સૌથી નાના હોવા છતાં દીકરા-દીકરીઓના ભણતર, સગાઈ-લગ્ન, સર્વિસ કે પરિવારમાં કોઈ સાજા માંદા થાય તો તેની તમામ જવાબદારી પોતે સંભાળે અમને કોઈ ક્યારેય ચિંતા ન કરવા દે, મારા પરિવારથી વધુ મારા માટે કાઈ નથી તેવુ સ્પષ્ટ માનનારા મુકેશભાઈ સમગ્ર દોશી પરિવારનું ગૌરવ છે.

શહેરની અસંખ્ય સંસ્થાઓ દ્વારા સન્માનિત થઈ ચૂકેલા મુકેશભાઈનું 2001 ની સાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તાનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ રાજકોટ રત્ન એવોર્ડ સહિત અનેક એવોર્ડ્સ સન્માન જેમને મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.