Abtak Media Google News
  • શહેર ભાજપ કાર્યાલય ફરિયાદ નિવારણ કેન્દ્ર બની ગયું: લાઈટ, પાણી, ગટર અને રોડ-રસ્તાની સામાન્ય ફરિયાદો મામલે નગરજનો કાર્યાલય આવવા માંડ્યા
  • કોર્પોરેશનની ચૂંટણી સુધી પ્રમુખ પદે રહેશે તો મુકેશભાઈ  “નો રીપિટ” અમલવારી કરવાના મૂડમાં
  • અધિકારીઓને કોર્પોરેટરોએ લેખિતમાં જ રજૂઆત કરવી તેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના આગ્રહથી પોતાના કાંડા કપાય ગયા હોવાની લાગણી અનુભવતા નગરસેવક
  • શહેર ભાજપમાં શિત યુધ્ધ જેવી સ્થિતિ

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપના અડીખમ ગઢ ગણાતા રાજકોટ શહેરમાં કમળમાં કકળાટ  ચાલી રહ્યો છે. સંગઠનના સર્વે સર્વ એવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ભાજપમાં કોર્પોરેટરોની કામગીરીથી ભારોભાર નારાજ છે તો સામા પક્ષે જન પ્રતિનિધિઓ પણ પ્રમુખની નવી પ્રણાલીથી નારાજ હોવાનું ચર્ચા રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શીતલ પાર્ક સ્થિત  શહેર ભાજપ કાર્યાલય જાણે ફરિયાદ નિવારણ કેન્દ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. લાઈટ, પાણી, ગટર અને રોડ-રસ્તાની સામાન્ય ફરિયાદો લઈ નગરજનો કાર્યાલય આવવા માંડ્યા છે.જેને કારણે પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારોની કામગીરી વધી જવા પામી છે.બીજી તરફ અધિકારીઓ અને કર્મચારીઓને લેખિતમાં રજૂઆત કરવી તેવા શહેર ભાજપ પ્રમુખના આગ્રહથી નગરસેવકો પોતાના કાંડા કપાય ગયા હોય તેવી લાગણીનો અનુભવ કરી રહ્યા છે.સામ સામે બંને પક્ષે ભારે નારાજગી જોવા મળી રહી છે.

રાજકોટમાં નાના મવા રોડ પર  ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ સત્તાધારી પક્ષ ભાજપની આબરૂનું દેશભરમાં ભારે ધોવાણ થયું છે. કોર્પોરેશનની ચૂંટણીની આડે હવે દોઢ વર્ષ જેવો સમય બાકી રહ્યો છે ત્યારે ફરી સત્તા હાંસલ કરવા માટે અત્યારથી જ શહેરીજનોમાં કમળની ખરડાયેલી છબી સુધરે તેવા પ્રયાસો શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા કરવામાં આવી રહ્યા છે.અગ્નિકાંડ બાદ મુકેશભાઈએ ભાજપના તમામ નગરસેવકોને એક પત્ર લખ્યો છે જેમાં એવી વિનંતી કરવામાં આવી છે કે ચૂંટાયેલા જન પ્રતિનિધિત તરીકે નગરસેવકોએ પોતાના વોર્ડને લખતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓને શક્ય હોય ત્યાં સુધી લેખિતમાં જ કરવી જેના કારણે રેકોર્ડ સચવાય રહે. આ સિસ્ટમ ખરેખર ખૂબ જ સારી છે પરંતુ કેટલાક નગરસેવકોને એવી લાગણી અનુભવી રહ્યા છે કે શહેર ભાજપ પ્રમુખની આ નવી પ્રણાલીથી તેઓના કાંડા કપાય ગયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં તેઓ પાસે સત્તાના નામે શૂન્યથી વધુ કશું જ નથી. કર્મચારી કે અધિકારીઓને વોર્ડને લગતી સામાન્ય ફરિયાદ કરવામાં આવે તો હવે સરકારી કર્મચારીઓ પણ લેખિતમાં આગ્રહ રાખી રહ્યા છે. જેના કારણે કોર્પોરેટરનું માન-સન્માન વોર્ડમાં જળવાતું ન હોવાનો સીનારીયો ઉભો થયો છે. મૌખિક ફરિયાદોને અધિકારીઓ ગણકારતા નથી જેના કારણે જનતામાં એવો મેસેજ જઈ રહ્યો છે કે નગરસેવકોનું કશું ઉપજતું નથી.સંગઠનના હોદ્દેદારો  જ સર્વે સર્વા છે. બીજી તરફ કેટલાક કોર્પોરેટરોએ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીની આ નવી પ્રણાલી સામે એક તદ્દન નવી પ્રણાલી શરૂ કરી છે.જેમાં કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો તેને આ ફરિયાદ માટે શીતલ પાર્ક સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ જવાની ફરજ પાડવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી શહેર ભાજપ કાર્યાલય ફરિયાદ નિવારણ કેન્દ્ર બની ગયું છે. રોડ -રસ્તા પર સામાન્ય ખાડા, પાણી, ગટર અને લાઈટને લગતી સમસ્યાઓ લઈને પણ નગરજનો કાર્યાલય ખાતે આવી રહ્યા છે.તેની અસર સંગઠનને લગતી કામગીરી પર પડી રહી છે. જે સમસ્યાનો નિવેડો વોર્ડ લેવલથી આવી જવો જોઈએ તે સમસ્યા શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી રહી છે.જેના કારણે મુકેશભાઈ ભાજપના જ કોર્પોરેટરોથી ભારોભાર નારાજ હોવાનું  મનાય રહ્યું છે . બીજી તરફ ભાજપના નગરસેવકો પણ પ્રમુખની નવી કાર્ય પ્રણાલીથી થોડા ઘણા અંશે નારાજ છે. અધિકારીઓને જન પ્રતિનિધિ તરીકે ભારપૂર્વક કહી શકતા નથી જેના કારણે તેઓ પોતાનું સ્વમાન  ઘવાતું હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.કોર્પોરેટરો સામાન્ય ફરિયાદમાં પણ ધ્યાન આપતા ન હોવાની ફરિયાદો શહેરીજનો દ્વારા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ કરવામાં આવી છે. 68 પૈકી મોટાભાગના કોર્પોરેટરો નિષ્ક્રિય છે અથવા પોતાની મન મરજી મુજબ કામ કરતા હોવાની રાવ ઉઠી રહી છે. જેથી ભાજપની આબરૂનું સતત ધોવાણ થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ મજબૂત બની ઉભરી રહી છે.જો આજ માહોલ જળવાઈ રહેશે તો  વર્ષ-2026માં યોજનારી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર બની રહે તેવી પણ સંભાવના અત્યારથી જ દેખાવા લાગી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પણ પાણી પહેલા વાળ બાંધવાનું શરૂ કરી દીધો છે.

આગામી દિવસોમાં શહેરના તમામ 18 વોર્ડમાં કોર્પોરેશન દ્વારા લોક દરબાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોની ફરિયાદો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવશે.  સામાન્ય ફરિયાદ માટે લોકોએ શહેર ભાજપ કાર્યાલયે તો ઠીક પણ નગરસેવકોને પણ આજીજી કરવી ન પડે તેવું પ્લાનિંગ હાલ ગોઠવાય રહ્યો છે.પરંતુ જે રીતે સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વચ્ચે સામસામે નારાજગી છે તે ભાજપ માટે સારી નિશાની માનવામાં આવતી નથી. જો કોર્પોરેશનની આગામી ચૂંટણી સુધી  ભાજપ પ્રમુખ પદે મુકેશભાઈ યથાવત રહેશે તો તેઓ ચોક્કસપણે “નો રીપીટ” થિયરીની અમલવારી કરાવે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી. ક્ષત્રિય સમાજના ઉગ્ર આંદોલન બાદ પણ રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમભાઈ રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતાડવામાં સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામથી પ્રદેશમાં મુકેશભાઈનું વજન વધ્યું છે  પરંતુ સ્થાનિક નગરસેવકો તેઓની સંગઠાત્મક કામગીરીથી  નારાજ હોવાનું ચર્ચા રહ્યું છે.એકવાત ખૂબ જ નક્કી છે કે શહેર ભાજપમાં હાલ આ બધું સમૂ સુતરૂ કરો નથી. સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે. જે ગમે ત્યારે મોટો બ્લાસ્ટ કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.