સોમવારે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજકોટ શહેર ભાજપની કારોબારીમાં કમલેશ મિરાણીને ઠપકો આપ્યા બાદ ત્રણ દિવસમાં સી.આર.પાટીલે રાજકોટના પ્રમુખ જ બદલાવી નાંખ્યા

રાજકોટ જિલ્લાના પ્રમુખ પદે અલ્પેશ ઢોલરીયા, મોરબી જિલ્લા પ્રમુખપદે રણછોડભાઇ દલવાડી અને કચ્છના પ્રમુખ તરીકે દેવજીભાઇ વરચંદની નિયુક્તિ

ગત સોમવારે ગાંધીનગર ખાતે મળેલી રાજકોટ શહેર ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ સમિતિ મુદ્ે કમલેશ મિરાણી અને મહામંત્રી જીતુભાઇ કોઠારીને કડક ભાષામાં ઠપકો આપ્યાના ત્રીજા દિવસે પાટીલે રાજકોટના પ્રમુખ ફેરવી નાંખ્યા છે. શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીના સ્થાને શહેરની જાણીતી સેવાકીય સંસ્થા ‘દીકરાના ઘર’ મેનેજીંગ ડિરેક્ટર અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશભાઇ દોશીની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પણ બદલવામાં આવ્યા છે.

આજે બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત કચ્છ તથા મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં કમલેશ મિરાણીના સ્થાને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે સામાજીક અને સેવા ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવતા મુકેશભાઇ દોશીની વરણી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મનસુખભાઇ ખાચરિયાના સ્થાને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે દેવજીભાઇ વરચંદ અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રણછોડભાઇ દલવાડીની નિયુક્તી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ દ્વારા અલગ-અલગ 16 જિલ્લા અને મહાનગરોના પ્રમુખને બદલવામાં આવ્યા છે. ગત મહિને શિક્ષણ સમિતિના તમામ 15 સભ્યોના રાજીનામા લઇ લેવાયા બાદ સતત તે વાત ચાલતી હતી કે પાટીલ ગમે ઘડીયે કમલેશ મિરાણીના સ્થાને રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર કરશે. આજે બપોરે ભાજપમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત કચ્છ અને મોરબી જિલ્લાના પ્રમુખની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવ નિયુક્ત મુકેશભાઇ દોશી દ્વારા શહેર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવશે. તેઓની સામે પ્રથમ પડકાર શિક્ષણ સમિતિની આગામી ચૂંટણીમાં 12 સભ્યોની નિયુક્તીનો રહેશે. પ્રમુખનો તાજ પહેરાવ્યા બાદ મુકેશ દોશી પર સતત શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.