મુંબઇમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી સ્કોર્પીયોમાંથી વિસ્ફોટકો અને જૈશ-ઉલ-હિંદની ધમકી મળવાના કેસમાં તપાસ ચાલી રહી છે. દરમિયાન તિહાડ જેલમાં દરોડા દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ જેલ નંબર 8ની બેરેકમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે,જેલની બેરેકમાં આતંકવાદી સંગઠનોના સભ્યો પણ હાજર હતાં.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,”એક ટેલિગ્રામ ચેનલે મુંબઈની ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પીયો રાખવાની જવાબદારી સ્વીકારી હતી, જે દિલ્હીની તિહાડ જેલમાં બેરેકની અંદરથી બનાવવામાં આવી હતી, જ્યાં ભારતીય મુજાહિદ્દીન આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે”. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે તેહસીન અખ્તરની બેરેક પર દરોડા પાડ્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો. આ સમય દરમિયાન ટેલિગ્રામ ચેનલો બનાવવા માટે વપરાતો મોબાઇલ ફોન મળી આવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીની રેલીને નિશાન બનાવીને પટણામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના આરોપમાં તેહસીન અખ્તરની ધરપકડ કરવામાં આવી હતી. તે હૈદરાબાદ અને બોધગયામાં થયેલા સિરિયલ બ્લાસ્ટથી પણ સંકળાયેલ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને એક વર્ચ્યુઅલ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેના દ્વારા ઉદ્યોગપતિના નિવાસસ્થાન નજીક વિસ્ફોટકોથી ભરેલી કાર રાખવાની જવાબદારીનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ તેહસીન અખ્તરને રિમાન્ડ પર લેવાની યોજના બનાવી રહી છે. બીજો નંબર જે સપ્ટેમ્બરમાં સક્રિય હતો,પરંતુ હવે બંધ છે. અધિકારીએ જણાવ્યું હતું કે,બંને નંબર નકલી આઈડીનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યા હતાં.
સ્પેશિયલ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, તિહાર જેલના અધિકારીઓએ જેલમાંથી એક મોબાઇલ ફોન કબ્જે કર્યો છે, જ્યાં કેટલાક આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. એવી શંકા છે કે, આ ફોનનો ઉપયોગ તાજેતરમાં કરવામાં આવેલી ટેલિગ્રામ ચેનલોને ચલાવવા માટે કરવામાં આવ્યો છે જે આતંકવાદી કૃત્યો/ધમકીઓ માટે જવાબદાર છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મોબાઇલ હેન્ડસેટ અને જપ્તી વિગતો તિહાડ જેલના અધિકારીઓ પાસેથી મેળવી લેવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ અને ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવશે.
25 ફેબ્રુઆરીએ,દક્ષિણ મુંબઈના મુકેશ અંબાણીના ઘર “એન્ટિલિયા” પાસે મહિન્દ્રા સ્કોર્પિયો કાર મળી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી અને વાહનને અંબાણી નિવાસની બહાર રાખવાની જવાબદારી આપતો સંદેશ 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર મૂકવામાં આવ્યો હતો. સંદેશમાં ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણીની પણ માંગ કરવામાં આવી હતી અને તે જમા કરાવવા માટે એક લિંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ વિસ્ફોટકથી ભરેલા વાહનની પુન:પ્રાપ્તિ સંબંધિત કેસ હાથ ધર્યો હતો.