શેર બજારના કારોબારમાં હેરાફેરી પર કાર્યવાહી: સેબીએ આરઆઈએલ તેમજ ૨ અન્ય કંપનીઓ પર પણ દંડ ફટકાર્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને શેર લેવેચની ઘાલમેળના આક્ષેપ સાથે સેબીએ દંડ ફટકાર્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેર ટ્રેડિંગ મામલે રિલાયન્સને ૨૫ કરોડ અને મુકેશ અંબાણીને ૧૫ કરોડનો દંડ કરાયો છે. રિલાયન્સ પેટ્રોલિયમ અલગ કંપની હતી ત્યારે તેના શેર વેચવાની જાહેરાત કરી હતી. પરિણામે ભાવ ઘટ્યા હતા. ત્યારબાદ રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદીને વેચવામાં આવ્યા હતા. તેને સેબીએ ખોટું ઠરાવ્યું હતું.
રિલાયન્સ પેટ્રોલિયમ પહેલાં અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ ૨૦૦૭માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના ૪.૧% શેર વેચવાની જાહેરાત કરી હતી. કંપનીના શેરના ભાવ ઘટવા લાગ્યા તો નવેમ્બર ૨૦૦૭માં રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદવામાં અને વેચવામાં આવ્યા. ઓક્ટોબર-નવેમ્બરમાં આ મેન્યુપીલેશન થયું હોવાનું જાણવા મળે છે. સેબીને તપાસમાં ખ્યાલ આવ્યો કે શેરના ભાવ પ્રભાવિત કરવા માટે આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે રિલાયન્સ પેટ્રોલિયમને ૨૦૦૯માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વિલય કરી દેવામાં આવી હતી.
સેબી દ્વારા આક્ષેપ કરાયો છે કે, આરઆઈએલ દ્વારા ૧૨ એજન્ટ રાખવામાં આવ્યા હતા. ડાઈરેવેટિવ સેગમેન્ટમાં શોર્ટ પોઝીશન બનાવવામાં આવી હતી. બીજી તરફ આરપીએલના ૨.૨૫ કરોડ શેર કેશ સેગમેન્ટમાં વેચવામાં આવ્યા હતા. આખી પેરવીમાં આરઆઈએલનું આખેઆખું આઉટ સ્ટેન્ડિંગ પોઝીશન ૭.૩૯ કરોડનું ડાઈરેવેટિવ સેગમેન્ટ કેશ સાથે સેટલ કરવામાં આવ્યું હતું. આ ૧૨ એજન્ટને નવી મુંબઇ સેઝ અને મુંબઇ સેઝ દ્વારા માર્જિન માટેના નાણાં આપવામાં આવ્યા હતા તેવું સામે આવ્યું હતું.
સેબીએ ૯૫ પેજના ઓર્ડરમાં કહ્યું કે શેરની કિંમત કોઈ પણ પ્રકારના મેનિપુલેશનથી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, કેમકે આ પ્રકારના મેનિપુલેશનથી રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના જણાવ્યા મુજબ, આ કેસમાં સામાન્ય રોકાણકારોને તે વાતનો ખ્યાલ નથી હોતો કે શેરના આ ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી. આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરાયું, જેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેર પર થઈ. જેના પગલે સામાન્ય રોકાણકારોને નુકસાન થયું હતું.