મ્યુકર-માયકોસિસ તરીકે ઓળખતો બીજો જ એક રોગ મીડિયાનાં મોઢે ચડી રહ્યો છે. દિલ્લી અને અમદાવાદમાં મ્યુકરમાયકોસિસના કેસ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોનામાંથી સાજા થયેલા પણ ડાયાબિટીસ ધરાવતા હોય તેવા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે. જો કે આ રોગ નવો નથી પણ જવલ્લે જ જોવા મળતા આ રોગના દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉછાળો આવ્યો છે. જેને લઈને ફરી એક વાર અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે, એટલે આ રોગ અંગે વૈજ્ઞાનિક સમજ હોય તે જરૂરી છે.
આ મ્યુકરમાયકોસિસ છે શું ?
મ્યુકરમાયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય પ્રતિકારકશક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ગંભીર હોય છે.
કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા સ્ટેરોઈડ અને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. (ઉત્સવ)મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને થોડી બ્રેક મારી ધીમી પાડવી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.
કેવી રીતે પકડી શકાય?
* લેસર એન્ડોસ્કોપી દ્વારા નાક અને સાયનસનું પરીક્ષણ થાય, નાકમાંથી ગંદી વાસ આવતી હોય , નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય
*લાળ, ગળફાં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય.
* અત્યારે હાલ અત્યાધુનિક ઈઝ સ્કેન/MRI દ્વારા આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે શોધી કાઢવામાં આવે છે અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય છે.
કેવી રીતે બચવું?
* સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે.
* આ સિવાય વધુ જોખમ ધરાવતાં લોકોને માટી કે ધૂળના સંપર્કમાં રહેવાનુ થતું હોય(જેમ કે ખેતીકામ કે ગાર્ડનિંગ વગેરે) તો થોડી સાવચેતી રાખવી જેમ કે આખી બાંયના કપડાં પહેરવા, જૂતાં પહેરવા, માટી-કાદવ સાથે કામ કરતાં ગ્લવ્ઝ પહેરવા
* જો ચામડી પર ઘા થાય તો તેને સાબુ અને પાણીથી ધોઈ નાખવો
લક્ષણો
જો નાક વાટે ફૂગ પ્રવેશી હોય અને સાયનસ તેમજ મગજમાં પ્રસરી રહી હોય તો એક બાજુનો ચહેરો ફૂલી જવો/સોજો આવવો, નાક બંધ થઈ જવું, નાકના ઉપરના ભાગે (nasal bridge ) કાળો ચકામો થઈ જાય. જો આ ફૂગ ફેફસામાં પ્રવેશે તો તાવ અને ખાંસી જેવા લક્ષણો જોવા મળી શકે અને ચામડી વાટે ઘૂસે તો ત્યાં ચાંદા જેવુ થઈ જાય અને એ ભાગ કાળાશ પણ પકડી શકે છે.
કોને થઇ શકે છે આ રોગ?
જેની રોગ પ્રતિકારકક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ડાયાબિટીસ ( એમાય ડાયબેટીક કીટોએસીડોસિસ હોય એ લોકો ) , કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ઠઇઈ નું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય , આયર્ન અતિ માત્રામાં હોય (હેમોક્રોમાટોસિસ), ચામડી પર ઊંડો ઘા થયો હોય આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે
આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી , જે નાક વાટે શરીરની અંદર ઘૂસી શકે છે. આ સિવાય ચામડીનો ઊંડો ઘા પણ ફૂગને રસ્તો આપી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.
સારવાર
ICMRના ગાઇડલાઇન્સ મુજબ લાઈપસોમલ એમપ્ફોટેરિસીન બી (Liposomal Amphotericin B ) (Injection)આપવામાં આવે છે. જો આ દવા પણ કામ ના કરે તો કેસપોફંગીન (Caspofungin) તેની સાથે આપી શકાય. અને અમુક કેસોમાં સર્જરી દ્વારા આંખને પણ કાઢવી પડે કે નાકના અસરગ્રસ્ત ભાગ કે પછી ચેપગ્રસ્ત ટીશ્યુ દૂર કરવામાં આવે છે. આ સાથે દવા તો ચાલુ જ રખાય છે. મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી વડે આ રોગથી પણ લડી જ શકાય છે. આ રોગ જવલ્લે જ થાય છે એટલે તેનાથી ડરવાની જરૂર નથી , જો તમે રિસ્ક ગ્રૂપમાં આવતા હો તો કાળજી રાખો અને પોતાના ડોકટરના સંપર્કમાં રહો અને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરો.
(નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે. કોઈ પણ સંજોગોમાં ડોકટરની સલાહ લેવી. કોઈ પણ દવા ડોકટરની સલાહ અને જાણ બહાર લેવી નહીં. દર્દીની સ્થિતિનો સાચો જાણકાર અને નિર્ણયકર્તા તેને ટ્રીટ કરનાર ડોકટર જ હોય છે)