નાણામંત્રી તથા નાણામંત્રાલયનાં બાબુઓ સાથે મોદીએ કરી ‘રીવ્યુ બેઠક’ દેશનાં વિકાસ માટે વસતી વધારાનાં દુષણને નાથવુ અનિવાર્ય: મોદી
સ્વતંત્રતા પર્વ નિમિતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, દેશને આર્થિક રીતે સંપન્ન બનાવવા માટે જે મુડીપતિઓ છે તેને સરપાવ આપવો જરૂરી છે. કારણકે દેશનાં વિકાસ માટે તેઓ જે કમાણી કરે છે તેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુને વધુ મજબુત બનતી હોય છે જેથી મુડીપતિઓને પૂર્ણત: સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે અને તેનું રક્ષણ પણ કરવામાં આવે. લાલ કિલ્લા પરથી ઘ્વજ ફરકાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મૂડીપતિઓને શંકાની નજરે ના જોવા જોઈએ. કારણકે જો મુડી ઉદભવિત થશે તો તેનું વિભાજન સારી રીતે થઈ શકશે ત્યારે મુડી હોવી પણ જરૂરી છે. હાલ દેશ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવા અનિવાર્ય બન્યા છે.
વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આહવાન કરતાં જણાવ્યું હતું કે, જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું અને ૮ ટકા જીડીપી ગ્રોથનું તેને હાંસલ કરવા માટે સરકાર આવનારા ૫ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ કરશે જેથી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વધારો થઈ શકે અને અર્થવ્યવસ્થાને તેની હકારાત્મક અસર જોવા મળી શકે. ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને હાંસલ કરવા માટે અનેકવિધ લોકોને લાગે છે કે આ કઠીન કાર્ય છે ત્યારે તેનાં જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો કોઈપણ પ્રકારનું રિસ્ક લેવામાં ન આવે તો કોઈપણ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકાતું નથી. ૭૦ વર્ષ બાદ ભારત દેશ ૨ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચ્યો છે ત્યારે ગત વર્ષમાં એક ટ્રિલીયન ડોલરનો વધારો થતા દેશ હાલ ૩ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી ઉપર છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને લઈ કઈ દિશામાં કામગીરી કરવી તે હાથ ધરાશે.
આ તકે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણામંત્રાલયનાં બાબુઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં દેશનાં અર્થતંત્ર માટેનાં જરૂરી પગલાઓ વિશે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. હાલ જે ક્ષેત્ર નિમ્ન ગતિએ ચાલી રહ્યા છે અને જો તે અર્થવ્યવસ્થા માટે ફાયદારૂપ હોય તો તે ક્ષેત્રોને ઝડપભેર વિકસિત કરવા માટેની યોજનાઓ અમલી બનાવવામાં આવશે. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા બે દસકામાં ઓટો સેકટરમાં મંદી જોવા મળી રહી છે. જેનાં કારણે અનેકવિધ લોકોની રોજગારીને પણ અસર થઈ છે. બજારમાં મંદી હોવાનાં કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો માહોલ સર્જાયો છે ત્યારે અનેકવિધ બનેલા પ્રોજેકટો હજુ સુધી વેચાણા નથી જેનું મુખ્ય કારણ બજારમાં તરલતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ૨૦૧૮માં એમએસએમઈ ક્ષેત્રમાં પણ સંકટનાં વાદળો ઘેરાયા છે કારણકે આ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે ત્યારે એમએસએમઈ ક્ષેત્રને બેઠુ કરવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને લોકો કઈ રીતે જીએસટીનો લાભ લઈ શકે અને તેની કાર્યપ્રણાલી સરળ થાય તે દિશામાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર પર્વની સંઘ્યાએ દેશમાં વસ્તી વધારાની સમસ્યાનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાનાં નાગરિકો સુધી પહોંચવામાં વસ્તી વધારાનું દૈત્ય મુખ્ય અવરોધ ઉભો કરે છે. દેશનાં વિકાસ માટે વસ્તી વધારાનાં દુષણને નાથવું અનિવાર્ય બન્યું છે. દેશનાં અર્થતંત્રને પાંચ ટ્રિલિયનનું વિશાળકાય કદ આપવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સંકલ્પને સિઘ્ધ કરવા માટે સરકારે દરેક વિભાગો તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પ અને ખેતીનાં વિકાસની સાથે ઔધોગિક વિકાસ, બેરોજગારી નિવારણ અને આર્થિક વૃદ્ધિ દરને સક્ષમ બનાવવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી કરેલા સ્વતંત્ર પર્વનાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશમાં વસ્તી વધારાનો પ્રશ્ર્ન ચિંતાનો વિષય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, વસ્તી વધારો, વિકાસનાં લક્ષ્ય માટે અવરોધરૂપ બને છે તે દેશનાં વર્તમાન અને ભાવિ માટે અનેક રીતે પડકારરૂપ છે. નાના કુટુંબો દેશનાં વિકાસ, રોલમોડેલને વધુ અસરકારક અને નાના કુટુંબનાં સહયોગથી દેશનું આર્થિક અને સામાજીક ક્ષેત્ર વધુ સુદ્રઢ બને છે.