ઘણી વાર આપણી સામે એવી વિચિત્ર વાતો આવતી હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો ઝારખંડમાં જોવા મળ્યો છે. ઝારખંડના સાહેબગંજમાં ૧૦૦ વર્ષના એક વૃદ્ધને કાદવ-કીચડ ખાવાની લત લાગી છે. આ વૃદ્ધનું નામ કરુ પાસવાન હોવાનું કહેવાય છે. ૧૦૦ વર્ષીય કારુ પાસવાન કીચડ ખાય છે. કારુ છેલ્લાં 89 વર્ષથી કીચડ ખાઈને જીવે છે અને હવે તે તેમની આદત બની ગઈ છે. સ્થિતિ એ છે કે, હવે તો કીચડ ખાધા વિના તે રહી શકતા નથી.
નાનપણમાં કારુના ઘરમાં ખાવા માટે કશું નહોતું. ગરીબી એટલી હતી કે પોતાને જીવિત રાખવા માટે તેમણે કીચડ ખાવાનું શરૂ કર્યું, જે હવે તેમની આદત બની ગયું છે. મીડિયા સાથે વાત કરતા કારુ કહે છે કે, તે ૧૧ વર્ષના હતા ત્યારે ગરીબીને કારણે ઘરમાં ખાવા માટે કશું નહોતું. ત્યાર બાદ તેમણે માટી ખાઈને પેટ ભરવાનું શરૂ કર્યું. ૮૯ વર્ષ સુધી સતત માટી ખાધા બાદ હવે શરીરને તેની લત લાગી ગઈ છે. સ્થિતિ એવી છે કે, કારુ જ્યાં બેસે છે ત્યાં તેમની પાસે પાણીનો ઘડો અને માટી રાખી મૂકે છે. જ્યારે પણ જરૂર લાગે ત્યારે કારુ તે ખાવાનું શરૂ કરી દે છે.