જિયો પ્લેટફોર્મ્સે છ અઠવાડિયામાં દુનિયાનાં ટોચના રોકાણકારો પાસેથી રૂ.૮૭,૬૫૫.૩૫ કરોડનું ફંડ મેળવ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને ભારતની અગ્રણી ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ આજે જાહેરાત કરી હતી કે, અબુ ધાબીનું સરકારી ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (મુબાદલા) જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. ૯,૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે ૧.૮૫ ટકા ઇક્વિટી હિસ્સો મળશે. આ રીત જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂા. ૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય ૫.૧૬ લાખ કરોડ થયું છે.
આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મે છ અઠવાડિયાથી ઓછા ગાળામાં અગ્રણી ગ્લોબલ ટેકનોલોજી અને ગ્રોથ રોકાણકારો પાસેથી કુલ રૂા.૮૭,૬૫૫.૩૫ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને મુબાદલા સામેલ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન ૧.૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.
આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે,મને ખુશી છે કે, સૌથી વધુ બાહોશ અને ગ્લોબલ ગ્રોથ રોકાણકારો પૈકીના એક મુબાદલાએ ભારતને વિશ્વનું અગ્રણી ડિજીટલ રાષ્ટ્ર બનાવવા ડિજિટલ વૃદ્ધિને વેગ આપવાની અમારી સફરમાં અમારી સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો છે. અબુ ધાબી સાથે લાંબા ગાળાના જોડાણ દ્વારા મેં અંગત રીતે યુએઇના નોલેજ-આધારિત અર્થતંત્રને વિવિધતાસભર બનાવવામાં અને એને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવામાં મુબાદલાની કામગીરીની અસર જોઈ છે. મુબાદલાએ દુનિયામાં વિકાસની સફરને વેગ આપ્યો છે. એના આ અનુભવ અને જાણકારીમાંથી લાભ લેવા અમે આતુર છીએ.
મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રૂપ સીઇઓ ખલ્દૂન અલ મુબારકે કહ્યું હતું કે,અમે ઊંચી વૃદ્ધિ ધરાવતી કંપનીઓ સાથે સક્રિયપણે કામ કરવા અને એમાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ, જેણે ગંભીર પડકારો ઝીલ્યાં છે અને નવી તકોનું સર્જન કરવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે જોયું છે કે, જિયોએ ભારતમાં સંચાર અને જોડાણના ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. એક રોકાણકાર અને પાર્ટનર તરીકે અમે ભારતની ડિજિટલ વિકાસની સફરને ટેકો આપવા પ્રતિબદ્ધ છીએ. જિયોના રોકાણકારો અને પાર્ટનર્સના નેટવર્ક સાથે અમારું માનવું છે કે, પ્લેટફોર્મ કંપની ડિજિટલ અર્થતંત્રના વિકાસને વધુ વેગ આપશે. ઇનોવેશન અને ટેકનોલોજીમાં પોતાની પ્રતિબદ્ધતાને વધારવા મુબાદલાએ વર્ષ ૨૦૧૭માં એની વેન્ચર કંપની સ્થાપિત કરી હતી, જે દૂરંદેશી સ્થાપકો સાથે જોડાણ કરે છે અને ઇનોવેટિવટ બિઝનેસને ટેકો આપે છે. અત્યારે મુબાદલોનો વેન્ચર બિઝનેસ અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વમાં કેટલાંક વેન્ચર ફંડનું મેનેજમેન્ટ કરે છે.
અત્યારે મુબાદલાનો પોર્ટફોલિયો અદ્યતન ઉત્પાદન, સેમિકંડક્ટર્સ, ધાતુઓ અને ખાણકામ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી અને યુટિલિટીઝ તથા વિવિધતાસભર ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સનું મેનેજમેન્ટ કરે છે. આ વ્યવહારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફાઇનાન્સિયલ એડવાઇઝ મોર્ગન સ્ટેન્લી છે તથા કાયદેસર સલાહકાર એઝેડબી એન્ડ પાર્ટનર્સ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.