સ્કીમમાંથી ઉતાવળી એક્ઝિટથી રોકાણકારે રિઇન્વેસ્ટમેન્ટનું જોખમ અને ટ્રાન્ઝેક્શન ચાર્જિસનું નુકસાન વેઠવું પડી શકેછે

બજાર તેજીમાં હોય ત્યારે રોકાણકારોને મ્યુ. ફંડ સ્કીમમાંથી એક્ઝિટ ક્યારે થવું એ પ્રશ્ન હંમેશા થાય છે. સ્કીમમાંથી ઉતાવળી એક્ઝિટથી રોકાણકારે રિઇન્વેસ્ટમેન્ટનું જોખમ અને ટ્રાન્ઝેક્શન ચાર્જિસનું નુકસાન વેઠવું પડી શકે. અહીં આપણે રોકાણકારને થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ.

બજાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે અને વેલ્યુએશન મોંઘા છે તો મારે રોકાણ હળવું કરવું જોઇએ?

બજાર વધી રહ્યું હોય અથવા સર્વોચ્ચ સપાટીની નજીક હોય ત્યારે ઘણા રોકાણકારો માને છે કે, તેમણે મ્યુ. ફંડ સ્કીમ્સમાં પ્રોફિટ-બુકિંગ કરવું જોઇએ. એવી રીતે બજાર ઘટતું હોય ત્યારે પણ રોકાણકાર સ્કીમમાંથી એક્ઝિટ કરીને નુકસાન ઘટાડી શકે.

જોકે, નાણાકીય સલાહકારોના મતે કોઈ પણ રોકાણકાર માટે બજારને ’ટાઇમ’ કરવું અશક્ય છે. એટલે આ સ્ટ્રેટેજી ભૂલભરેલી છે. રોકાણકારને એ જાણ હોવી જોઇએ કે, ફંડ મેનેજર નફો બુક કરી નુકસાન ઘટાડી રહ્યો છે. ફંડ મેનેજર જે કંપનીનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું હોય તેમાં વેચવાલી કરે છે અને સારી કામગીરીવાળી કંપનીઓના શેર્સ ખરીદે છે. એટલે બજાર નવી ઊંચી સપાટીએ હોય કે ઘટતું હોય બંને સ્થિતિમાં રિડેમ્પશન હિતાવહ નથી.

મારી સ્કીમનું પ્રદર્શન સારું નથી. મારે એક્ઝિટ થવું જોઇએ?

વ્યક્તિએ રોકાણ કર્યું હોય એવી સ્કીમ લાંબા સમયથી અંડરપરફોર્મ કરતી હોય તો રોકાણની સમીક્ષા કરવી જોઇએ. એવી રીતે વ્યક્તિએ જે કારણથી ફંડમાં રોકાણ કર્યું હોય તેની સાથે ફંડનો હેતુ મેળ ન ખાતો હોય તો પણ નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરી ફંડમાંથી રોકાણ હળવું કરવાનું વિચારવું જોઇએ.

મારે તાત્કાલિક નાણાં જોઇએ છે. તો શું મ્યુ. ફંડ યુનિટ્સ રિડીમ કરવા જોઇએ?

તમામ ઓપન-એન્ડેડ મ્યુ. ફંડ્સમાં તરલતા સારી હોય છે. એટલે કોઈ અણધારી કે આયોજન વગરની ઘટના માટે નાણાંની જરૂર પડે તો લિક્વિડ કે કન્ટિજન્સી ફંડનો ઉપયોગ કરવો જોઇએ. કોઈ ચોક્કસ ધ્યેય માટે રોકાણ કરવામાં આવ્યું હોય એવા ફંડ્સનું રિડેમ્પશન ટાળવું જોઇએ. ઉપરાંત, રિડેમ્પશન વખતે ટેક્સની અસર અને એક્ઝિટ લોડ લાગુ પડતો હોય તો તેની પણ ગણતરી કરવી જરૂરી છે.

મેં જે ધ્યેય માટે રોકાણ કર્યું હતું એ માત્ર એક વર્ષ દૂર છે તો મ્યુ. ફંડ રોકાણ હળવું કરી શકાય?

ઘણા રોકાણકારો શિક્ષણ, લગ્ન, કારની ખરીદી, વિદેશ પ્રવાસ સહિતનાં ચોક્કસ ધ્યેય માટે ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં રોકાણ કરે છે. આ સ્થિતિમાં વ્યક્તિનો ધ્યેય એક વર્ષ કે પછી ૧૫ મહિના દૂર હોય તો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP)ની મદદથી નાણાં ડેટ ફંડ કે લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરી શકાય અથવા તમામ નાણાં એક સાથે ડેટ ફંડમાં મૂકી શકાય. આવું કરવાથી આગામી એક વર્ષમાં ઇક્વિટી માર્કેટની વોલેટિલિટીને ટાળવામાં મદદ મળે છે.

ઇક્વિટી માર્કેટ્સમાં વૃદ્ધિને કારણે મારું એસેટ એલોકેશન બદલાયું છે. તો મારે થોડા ઇક્વિટી મ્યુ. ફંડ્સ વેચવા જોઇએ?

નાણાકીય સલાહકારો રોકાણકારોને એસેટ એલોકેશનનો સિદ્ધાંત અનુસરી વર્ષમાં ઓછામાં ઓછી એક વખત પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનું જણાવે છે.

બજારમાં તેજી કે મંદીના કારણે વ્યક્તિના એસેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધુ ફેરફાર થયો હોય તો તેણ પોર્ટફોલિયો રિબેલેન્સ કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.