આજે આંતરરાષ્ટ્રીય એમએસએમઇ દિવસ
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં એમએસએમઈના વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવા પર ભાર મુકાયો
દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો જીડીપીમાં 33 ટકાનો સિંહ ફાળો
યુવાનોની બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી રહ્યું છે લઘુ અને મધ્યમ ઉદ્યોગો
કોઈ પણ દેશના ટકાઉ વિકાસમાં નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગોનું મહત્ત્વનું યોગદાન હોય છે.છ એપ્રિલ 2017ના યુએન જનરલ એસેમ્બલીની 74મી પ્લીનરીમાં 27 જૂનના રોજ એમએસએમઇ ડે તરીકે ઉજવવાના રિઝોલ્યુશન અડોપ્ટ કરવામાં આવ્યું હતું. આ રિઝોલ્યુશન ઘણું મહત્તવપૂર્ણ છે કારણ કે એમએસએમઇ સતત વિકાસના લક્ષ્ય હાંસલ કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મોટા પાયે રોજગારીના સર્જનમાં પણ તેનું યોગદાન મહત્ત્વનું છે. એટલું જ નહીં દેશના જીડીપીમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો 33 ટકા જેટલો માતબર ફાળો છે.
દર વર્ષે આર્થિક વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરવું એ હંમેશા સરકાર માટે એક મોટો પડકાર સાબિત થયો છે. પ્રમાણમાં નાના ઉદ્યોગ કર્મીઓને તેમના એમએસએમઇ સ્થાપવામાં મદદ પૂરી પાડીને આપણે યુવાનોની બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. ઉદ્યોગની વાત આવે ત્યારે રાજકોટનું નામ મોખરે આવે છે. રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિએ 1,22,114 એમ.એસ.એમ.ઈ. નોંધાયેલા હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી કે.વી. મોરીએ જણાવ્યું હતું. જિલ્લામાં 56,895 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યારે 65,219 સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ છે. જિલ્લામાં માઇક્રો સ્કેલના 1,17,261 યુનિટ, સ્મોલ સ્કેલના 4,427 યુનિટ તથા મીડિયમ સ્કેલના 426 યુનિટ કાર્યરત છે. મહત્વનું છે કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં એમ.એસ. એમ.ઈ.ના વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે. હાલ એન્જિનિયરિંગ અને ઓટોપાર્ટ્સ ક્લસ્ટર, કાસ્ટિંગ ક્લસ્ટર, ફૂડ ઇન્ડસ્ટ્રી, એગ્રો બેઝ્ડ ક્લસ્ટર, જેમ્સ અને જ્વેલરી, હાર્ડવેર, કીચનવેર, પેકેજિંગ, પ્લાસ્ટિક, પમ્પ અને પાર્ટસ્, ટેક્સટાઈલ, જિનિંગ ક્લસ્ટર – એમ વિવિધ ક્લસ્ટર બનાવવા અંગે કવાયત તેજ બની છે.
એટલું જ નહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે વિવિધ પ્રોત્સાહન લક્ષી યોજનાઓની અમલવારી શરૂ કરવામાં આવી છે જેથી જે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતો હોય તો તેને વિવિધ યોજનાઓનો સવિશેષ લાભ મળતો રહે અને તે દેશની અર્થવ્યવસ્થા અને રાજ્યની અર્થવ્યવસ્થામાં સહભાગી બની શકે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારનું પ્રોત્સાહન બુસ્ટર ડોઝ આપી રહ્યું છે: કિશોર મોરી
જિલ્લા ઉદ્યોગ ભવનના અધિકારી કિશોરભાઈ મોરીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારનું પૂર્ણ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ પ્રોત્સાહન કંપનીઓને બુસ્ટર ડોઝ પણ આપી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની જે ઉદ્યોગ લક્ષી નીતિ છે તે ખરા અર્થમાં ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોને ફાયદો પહોંચાડે છે. બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે અત્યારના કોઈ પણ ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ સ્થાપિત કરવો હોય તો તેને ઘણા ખરા વિચાર આવતા હોય છે કે તેને ઉદ્યોગમાં કોઈ તકલીફ કે આર્થિક સંકળામણનો સામનો હતો નહીં કરવો પડે ને પરંતુ આ ગંભીરતાને સરકારે ધ્યાને લઈ દરેક ડગલેને પગલે ઉદ્યોગોને યોગ્ય વળતર આપવાનો નિર્ણય લીધેલો છે જે ઉદ્યોગકારો માટે ખૂબ મહત્વનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં નવા નવા સ્ટાર્ટઅપ પણ શરૂ થઈ રહ્યા છે અને હાલ સ્ટાર્ટઅપ માટે પણ સરકારની પ્રોત્સાહનલક્ષી યોજનાઓ અત્યંત નીવડી છે.
ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વિવિધ કોર્સ ડિઝાઈન કરી કારીગરોને વિશેષ તાલીમ અપાઈ છે: પ્રણવ પંડયા
એમએસએમઇ એક્સટેન્શન સેન્ટરના ડાયરેક્ટર પ્રણવ પંડયાએ જણાવ્યું હતું કે, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જમીન, મશીનરી અને માળખાકીય સુવિધાઓ સાથે તાલીમકુશળ માનવબળ પણ એટલું જ જરૂરી છે. રાજકોટમાં એમ.એસ.એમ.ઈ. એક્સટેન્શન સેન્ટર, ગીરનાર ટોકિઝ નજીક કાર્યરત છે. પશ્ચિમ ભારતનું આ એવું કેન્દ્ર છે, જે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વિવિધ કોર્સ ડિઝાઈન કરીને તાલીમ આપવાનું કામ કરે છે. સેન્ટરના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રી પ્રવીણ જોશીના જણાવ્યા પ્રમાણે, ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિઓ અને યોજનાઓ અમલી બનાવાય છે, તે અંગેની તાલીમ ઉદ્યોગકારો, મેનેજરો તેમજ તેમના સ્ટાફ તથા નોકરીવાંછુંકો યુવાનોને આપવામાં આવે છે. દર વર્ષે આશરે 4000 જેટલા ઉમેદવારોને અહીં તાલીમ અપાય છે. છેલ્લા ચાર વર્ષમાં આ કેન્દ્ર દ્વારા 16,200થી વધુ ઉમેદવારોને તાલીમ અપાઈ છે. હાલમાં જાપાનીઝ ક્ધસેપ્ટ મુજબ, અહીં સિક્સ સિગ્મા, યલો બેલ્ટ, ગ્રીન બેલ્ટ તથા બ્લેક બેલ્ટની તાલીમ અપાય છે. આ સેન્ટર ઉદ્યોગો માટે ક્ધસલ્ટન્સીનું પણ કામ કરે છે.
દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન અનેરૂ: દર્શીત આહ્વા
આહ્વા એસોસિયેટ્સના દર્શીતભાઈ આહ્વાએ જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન અનેરૂ છે. કારણ કે આ ક્ષેત્ર રોજગારીનું પણ સર્જન કરે છે અને હાલ જે રીતે નિકાસ થઈ રહ્યો છે તેને જોતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. બીજી તરફ સરકારની જે પ્રોત્સાહન યોજનાઓ જે આપવામાં આવી રહી છે તેનાથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે અને આવનારા વર્ષ 2025 માં જે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીની સરકાર વાત કરી રહી છે અને જે લક્ષણ નિર્ધારિત કર્યું છે તેમાં આ ઉદ્યોગ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે વેગથી આગળ વધી રહ્યા છે તો સામે પડકાર પણ એટલા જ છે માત્ર ને માત્ર જરૂરિયાત અને જાગૃતતા ની સાથે સપ્લાય ચેન ને વિકસિત કરવી એ પણ એટલી જ જરૂરી છે જો આ કરવામાં ઉદ્યોગકારો સફળ થશે તો તેઓને અને દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પહોંચશે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું ભવિષ્ય ઉજ્જવળ, નિકાસ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે: રાજેશ સવનીયા
એડ્રોઇડ કોર્પોરેશનના રાજેશભાઈ સવનીયાએ જણાવ્યું હતું કે, સરકાર ઉદ્યોગો માટે દરેક તેમની રજૂઆતોને પરિપૂર્ણ કરી રહી છે કારણ કે એ વાત સ્પષ્ટ છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ ઉજવટ છે અને હાલ સરકાર નિકાસ ક્ષેત્રને પણ વેગવંતુ બનાવવા માટે મહેનત અને પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે નિકાસ ને જો ઝડપી બનાવવો હોય તો સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું ખૂબ આવશ્યક અને જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર ઘણી સબસીડી લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે આપી રહી છે અને તેમાં પણ જ્યારે ઉદ્યોગ કોઈ મહિલાના નામે નોંધાયેલો હોય તો જીએસટીની સાથોસાથ ઈલેક્ટ્રિસિટી માં પણ સારું એવું વળતર સરકાર આપે છે એટલું જ નહીં પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ ની યોજના પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથો સાથ વિવિધ સ્ટાર્ટઅપ માટે ઉપયોગી અને કારગત નિવળી રહી છે. તારે ખરા અર્થમાં જો ઉદ્યોગસાસીકો જાગૃત થાય અને પોતાના ઉદ્યોગ માટે સજાગ બને તો સરકાર તેમના દરેક પ્રશ્નોનું નિવારણ ત્વરિત લાવવા માટે કટિબદ્ધ બની છે.