ઝડપી સારવાર લેવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે
ચાર જિલ્લાઓ વચ્ચે એકમાત્ર જામનગરની જી જી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન હોવાથી દર્દીઓની લાંબી પ્રતિક્ષા યાદી થાય છે. દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સેવા લેવી પડે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.હોસ્પિટલ ગણાય છે. સૌરાષ્ટ્રભરમાંથી અનેક દર્દીઓ સારવાર માટે આવે છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર તેમજ જુનાગઢ જિલ્લાના પણ અનેક દર્દીઓ જુદા-જુદા અકસ્માત અને બિમારીના કેસમાં સારવાર માટે આવે છે ત્યારે જી.જી.હોસ્પિટલ ખાતે એમઆરઆઇ મશીન એક જ હોવાથી મુશ્કેલી પડી રહી છે.
ગુજરાતની જુદી-જુદી સરકારી હોસ્પિટલોમાં એમઆરઆઇ મશીનની તેમજ સીટી સ્કેન મશીનની સુવિધા અંગે ગુજરાત વિધાન સભાની બેઠકમાં પ્રશ્ર્ન ઉઠાવાયો હતો. જેના જવાબમાં એવો ખુલાસો બહાર આવ્યો છે કે, રાજયમાં 33 જિલ્લાઓમાંથી માત્ર 16 જ સીટી સ્કેન મશીનો અને પાંચ એમઆરઆઇ મશીનો છે. 2 વર્ષ દરમ્યાન એક પણ એમઆરઆઇ મશીનની ખરીદી પણ સરકારી હોસ્પિટલમાં કરાઇ નથી આ ઉપરાંત 20 જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં એક પણ સીટી સ્કેન નથી અને 28 જિલ્લામાં સીટી સ્કેન મશીન નથી. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા એમ બન્ને જિલ્લાનો સમાવેશ થાય છે. બન્ને જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન સરકારી નથી. જયારે એમઆરઆઇ મશીનની વાત કરી તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ ત્રણેય જિલ્લા વચ્ચે જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક એમઆરઆઇ મશીન આવેલ છે. આમ જામનગર સહિત ચાર જિલ્લા વચ્ચે એક એમઆરઆઇ મશીન જી.જી.હોસ્પિટલમાં આવેલ હોવાથી દર્દીઓને એમઆરઆઇ રિર્પોટ કરવા માટે લાંબા સમયનું વેઇટીંગ રહે છે. જો દર્દીને ઝડપી સારવાર કરવી હોય તો ન છુટકે પ્રાઇવેટ એમઆરઆઇ મશીનમાંથી રિર્પોટ મેળવવો પડે છે અને આ એમઆરઆઇના રિર્પોટ પણ ખુબ ખર્ચાળ છે ત્યારે રાજય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સરકારી સીટી સ્કેન મશીન મુકવુ જોઇએ. આ ઉપરાંત અકસ્માતના કેસો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીટી સ્કેન મશીન અને એમઆરઆઇની સગવડતા પુરી પાડવી જોઇએ.
હોસ્પિટલમાં સિક્યુરિટીના ધજાગરા ઉડ્યા; ગાય અને શ્ર્વાન આંટા મારે છે
જીજી હોસ્પિટલમાં પશુઓના આંટાફેરાના દ્રશ્યો વાયરલ થતા હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી જીજી હોસ્પિટલમાં રાત્રિના સમયે ગાય અને શ્વાન ઘૂસી જતા હોસ્પિટલના સ્ટાફ સાથે દર્દીઓ અને તેના સંબંધીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ફરજ બજાવતા સ્ટાફની સુરક્ષા જળવાઈ રહે તે માટે સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે. પરંતુ, હોસ્પિટલની અંદર ઘૂસી આવેલા પશુઓના વાઈરલ વીડિયોએ સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. હોસ્પિટલની અંદર પશુઓ ઘૂસી જતા અધિક્ષક તરફથી સમગ્ર મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. અધિક્ષક ડો. દિપક તિવારીએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામા આવશે. જે પણ સિક્યુરિટી ગાર્ડ આમાં જવાબદાર હશે તેની સામે નિયમ મુજબ પગલાં ભરવામા આવશે.