- જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કુમકુમ તિલક કરી મીઠા કરાવી શુભેચ્છા પાઠવી
- પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે
ગુજરાત ન્યૂઝ : ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો આજે સોમવાર 11 માર્ચથી પ્રારંભ થઇ ચુક્યો છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાના આજથી શ્રી ગણેશ થયા છે. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી છે. ત્યારે જામનગરમાં ધોરણ 10માં કુલ 16885 ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે. બે જોન પૈકી એક જોનના 31 કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને જામનગરમાં કુલ 26 બિલ્ડિંગમાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે તમામ કેન્દ્રમાં સંપૂર્ણ તૈયારીઓ બાસ વિદ્યાર્થીઓ શાંત માહોલમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા ઉભી કરાયાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા.. સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના દ્વારા પેપર સહિતની સામગ્રી ટ્રેક કરવામાં આવે છે અને પેપરની સીલ ખોલતા પહેલા PATA એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવા સહિતની આધુનિક વ્યવસ્થા ગોઠવાઈ છે.
સાગર સંઘાણી