પ્રથમ દિવસે 20 બોરી નવા લસણની આવક: ભાવ 1100 બોલાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મધ્યપ્રદેશના નવા લસણની આવક થવા પામી છે. પ્રથમ દિવસે 50 મણ લસણની આવક થવા પામી છે. અને ભાવ 1100 રૂપીયા બોલાયા છે. આ ઉપરાંત હાલ ધાણાની આવક પણ ચાલુ છે અને ખેડુતોને સારા ભાવો મળી રહ્યા છે.યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એમપીના નવા લસણની આવક શરૂ થવા પામી છે.
પ્રતિ 20 કિલો લસણના ભાવ 1100 રૂપીયા બોલાયા હતા પ્રથમ દિવસે 20 બોરી અર્થાંત 50 મણ લસણની આવક થવા પામી છે. નવા લસણની આવક થતા યાર્ડના ચેરમેન તથા વેપારીઓએ મોઢા મીઠા કરાવ્યા બાદ હરરાજી શરૂ કરાવી હતી.
લાલ મરચાની ચિક્કાર આવક: હરાજી માટે બપોરે જ વ્યવસ્થા ઉભી કરાઈ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે સવારે એમ.પી.ના લસણની આવક શરૂ થયા બાદ બપોરથી લાલ મરચાની પણ શરૂ કરવામાં આવી છે. ચીક્કાર આવક થતાં હરરાજી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખેડૂતોને લસણની માફક લાલ મરચાંના પણ સારા ભાવો મળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સવારથી જ માર્કેટીંગ યાર્ડમાં બહાર લાલ મરચા ભરેલી ગાડીઓના થપ્પા લાગી જતાં યાર્ડના સત્તાધીશો દ્વારા બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી એમ બે કલાક મરચાની આવક શરૂ કરવામાં આવી હતી અને હરરાજીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોય સારા એવા પ્રમાણમાં મરચાની આવક થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.